104 - મરમી જોયો / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ચંદા સૂર ઉપર સોહ્યા રે,
એવો એક મરમી જોયો.

આમ તો લાગે સાવ સળેખડું,
સાહેબ કહેવો કેમ?
દૂબળા દેહની દાબડિયે પણ
ભીતર ભરિયું હેમ :
રગેરગ પ્રેમમાં પ્રોયો રે, -
એવો એક મરમી જોયો.

વાત કરે કે વ્રેમંડ વીંધે,
ચીંધે વ્હાલમ વાટ;
જીવન જેણે જીવને દીધું,
જીવતો જીવન સાટ :
હરિ કાજ હરખે રોયો રે, -
એવો એક મરમી જોયો.

મુખડે એને મોરલા રાજે,
ગહેકે ગેબી ગાન;
હૈયે હરિનો હંસલો વાજે
પરમ પંડ પિછાન :
સરોદ એ સોબતે ત્રોયો રે, -
એવો એક મરમી જોયો.


0 comments


Leave comment