105 - અલખ ગયા આલિંગી / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


આ ધરણીમાં ધિંગી
અમને અલખ ગયા આલિંગી.

વનરાવનમાં સહુ કોઈ ખેલે
ચરતા મનહર ચારો;
સહુથી સારો, સહુથી ન્યારો
ચારો એક અમારો :
કંઈ ન ચરીએ, નિષ્કલ ફરીએ
મૃગલાં એકલશિંગી. -
અમને અલખ ગયા આલિંગી.

કોઈ ધરાનો લિયે આશરો
કોઈ પ્રવહતી નીકે;
અમે નફકરા અલખ ઉપાસક
સૂઈએ નભ ઓશીકે :
ઓઠિંગણ જે અન્ય તણાં તે
અમને રહે ઓઠીંગી. -
અમને અલખ ગયા આલિંગી.

અલખ તણે આલિંગન અમને
લાધી સાધ સવાઈ;
વિસ્મય કેરી વાત ન કોઈ,
કાંઈ નથી નવાઈ :
ચહુ દિશ લીલાલ્હેર નિહાળે
અમ અખિયાં હરિભીંગી. -
અમને અલખ ગયા આલિંગી.


0 comments


Leave comment