106 - મૂરતિ માધવની મધુમતી/ મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
અધ-છાની અધ-છતી
મૂરતિ માધવની મધુમતી.
કોઈ દિવસ પીતાંબર લહેરે
સ્વર્ણ આભના આરે;
કોઈ દિવસ કુંડળ લળકે છે
સ્વર્ણિમ સિંધુકિનારે;
કોઈ દિવસ હું અંતરનીરે
પરખુ ગહરી ગતિ. -
મૂરતિ માધવની મધુમતી.
મોરપિચ્છ ફરફરે કોઈ દિન
રમ્ય મેઘધનુ રંગે;
કોઈ દિવસ મુસકાન હું મીઠી
નીરખું જલધિતરંગે;
કોઈ દિવસ અંતર આવાસે
પરખુ પ્રિયતમ પતિ. -
મૂરતિ માધવની મધુમતી.
તન કેરા તરભાણે એને
અંસુવનથી નવરાવું,
વ્હાલભરી વૃત્તિઓ કેરું
નિત નૈવેદ ધરાવું;
આરતદીપ જલાવી લઉં હું
અંખિયનની આરતી. -
મૂરતિ માધવની મધુમતી.
0 comments
Leave comment