107 - નીરખું કોઈ મધુ - મૂરતિ /મનુભાઈ ત્રિવેદી 'સરોદ'
કાંઈ અનહદના અજવાળે રે,
કાંઈ હદ બેહદના ગાળે રે,
નીરખું કોઈ મધુ - મૂરતિ.
કાંઈ અંતરિયે ઉજમાળ રે,
કાંઈ ભીતરિયે ભભકાળ રે,
છબિયું એની બનતી છતી.
એ મૂરત છે અદ્ભૂત એવી, રૂપ ન વરણ્યું જાય;
અમૂલખ એવો અમલ ચડે, મારાં રૂંવરૂંવ હરખાય :
કાંઈ ક્ષિતિજ વળૉટી પાળે રે,
કાંઈ હૈયાના હેમાળે રે,
પરખું એની ગરવી ગતિ.
મુજ શું મૂરત નેન મિલાવે, કરે સુખદ સનકાર;
ભીતર મારું ભભકી હાલે સચરાચરની પાર:
કાંઈ ઓજસ તણા ઉછાળે રે,
કાંઈ અમૃત તણા ઉલાળે રે,
મને આકર્ષે છે અલખ પ્રતિ.
અવ છોડો હે અવની અંબર, તોડો તંતિલ તાર;
અધિક થકી અદકેરો મુજને અનુપમ મળ્યો દીદાર :
હું જોઉં કોણ અવ ખાળે રે,
મને આતુર નયન નિહાળે રે,
મને પાંખ દિયે છે પરમા રતિ.
0 comments
Leave comment