108 - પામ્યા પૂરણ એને / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


પામ્યા પૂરણ એને મુખડે તાળાં,
મૌન ગ્રહે મરમાળા રે.

પવન સૂસવે, દરિયો ઘૂઘવે,
બોલે અધૂરપવાળા રે;
સૂરજ ચાંદો તારા ચમકે,
ચમકે ઓછપવાળા રે. -
પામ્યા પૂરણ એને મુખડે તાળાં.

આસન વાળી ગિરિ સમ બેઠા,
કંઠે શૃગ શી માળા રે;
અંગે વહે એને ઝરણ અલૌકિક
કેવલ કરુણાવાળા રે. -
પામ્યા પૂરણ એને મુખડે તાળાં

પાસ બેસે એનાં પંડને પલટે,
કરે ભીતર ભભકાળા રે;
તીરથ એને મન તનની તૃષ્ણા,
પૂજન મનના ચાળા રે. -
પામ્યા પૂરણ એને મુખડે તાળાં.

એવા પુરુષનાં દર્શન કરવા
ચલો સરોદ ગિરીઢાળા રે,
સિદ્ધાચળને મારગ રાજે
મન માલેક મતવાલા રે. -
પામ્યા પૂરણ એને મુખડે તાળાં.


0 comments


Leave comment