109 - જીવી જાણાં / મનુભાઈ ત્રિવેદી 'સરોદ'


ભાઈ, બહુ ગાયાં ગાણાં રે,
શબદ અવ જીવી જાણાં રે.

શબદ કેરા સૂરથી નીપજે
તાણાવાણા રે;
એ જ જીવનને જીવન કહીએ,
જાય વણાણાં રે.-
શબદ અવ જીવી જાણાં રે.

સૂર શબદ ને સુરતા કેરાં
ભજન ભાણાં રે;
અમૃત કેરો સ્વાદ દિયે જો
હોય જમાણાં રે. -
શબદ અવ જીવી જાણાં રે.

ભજનને, ભાઈ, ભેરુ કહીએ,
સાથ સિધાણાં રે;
હાકલ દઈ હોકારતાં પાડે
પંડનાં થાણાં રે.-
શબદ અવ જીવી જાણાં રે.

દાસ સરોદને ભજન ફળિયાં,
વાયાં વાણાં રે;
મનમોહનની મૂરત કેરાં
તેજ કળાણાં રે.-
શબદ અવ જીવી જાણાં રે.


0 comments


Leave comment