3 - કંકોળેલા કેડા / સરોદ / પ્રસ્તાવના / મકરન્દ દવે


    ભજનવાણીની ગંગોત્રી સુરતા છે, તો એનો ગંગાસાગર છે શબ્દ. એક પરમ તત્વની ગગનગામી હિમાધવલ ગોદમાં માનવીની સુરતા એક બની જાય છે. અને પછી એ તત્વની પ્રેરણાથી જ હજાર-હજાર શબદમાં ઘુઘવાટા કરતી એ મેદાનોમાં ઊતરી આવે છે. ગગનશિખરનું મૌન જયારે વૈખરીમાં પ્રવાહિત થઈ ઊઠે ત્યારે જીવન એક ગાતું ભજન બની જાય છે. સુરતા અને શબદ વચ્ચે જ્યાં અંતર પડી જાય છે ત્યાં ભજનની સરવાણી જીવનને હર્યભર્યું નથી બનાવી શકતી. એક સાખીમાં કહ્યું છે :
“સુરતિ શબદ બિચ અંતરા, એતી ઘરમેં હાણ,
ધોરી બિચ બુંબી પડે,તો ક્યારી સૂકી જાણ.”

    કોશિયો કોશ ચલાવતો હોય, ધોરિયામાં પાણીની ધારા વહેતી હોય, પણ વચ્ચે રાફડી પડી હોય તો એ પાણી શોષી જાય અને ક્યારા સુધી પાણી પહોંચે નહીં. પછી મોલ ઊગે ક્યાંથી ? સુરતા અને શબદનું પણ એવું જ છે. બંને વચ્ચે અંતર પડી જાય તો જીવતરની ક્યારીમાં પરમ આનંદ અને અભયનો મોલ ઊગતો નથી. ‘ગોરખ-મચ્છેન્દ્ર-સંવાદ’માં સુરતિ, શબદ અને જીવનનો સંબંધ અચ્છી રીતે વ્યકત થયો છે :
“ગોરખ : ગુરુજી, કૌન મુખ બૈઠે ? કૌન મુખ ચલે ?
કૌન મુખ બોલે ? કૌન મુખ મિલે ?
કૌન સુરતિ મેં નિરભય રહે ?
સતગુરુ હોઈ સો પૂછ્યા કહે.
મચ્છેન્દ્ર : અવધૂ, સુરતિ મુખ બૈઠે, સુરતિ મુખ ચલે,
સુરતિ મુખ બોલે, સુરતિ મુખ મિલે,
સુરતિ નિરંતર નિરભય રહે,
ઐસા વિચાર મચ્છેન્દ્ર કહે.

ગોરખ : ગુરુજી : કૌન સો શબદ ? કૌન સો સુરતિ ?
કૌન સો નિરતિ ? સુન સો બંધ ?
દુબુધ્યા મેટ કૈસે રહે ?
સતગુરુ હોઈ સો પૂછ્યા કહે.

મચ્છેન્દ્ર : અવધૂ, શબદ અનાહત, સુરતિ સોચે તન,
નિરતિ નિરાલંબ લાગે બંધ,
દુબુધ્યા મેટિ સહજ મેં રહે,
ઐસા વિચાર મચ્છેન્દર કહે.”

    ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ જાણવા માટે અર્જુને પૂછ્યું હતું : સ્થિતપ્રજ્ઞની વાણી કેવી હોય ? તે કેવી રીતે બોલે ? કેવી રીતે બેસે ? કેવી રીતે ચાલે ? માણસનાં સાધારણ કાર્યો પણ તેનો અનંત સાથેનો તાર ન તૂટે ત્યારે તે પોતાનાં કોચલામાંથી બહાર આવ્યો ગણાય, જીવનમુક્ત થયો ગણાય. ગોરખે પણ એવો માર્મિક પ્રશ્ન પૂછ્યો છે અને જવાબમાં મચ્છેન્દ્રે પરમ તત્વમાં સુરતા પરોવીને બેસતા, ઊઠતા, હરતા-ફરતા સદા નિરભય જીવનસ્વામીનું ચિત્ર દોરી બતાવ્યું છે. જેની વાણીનો તાર અનાહત ઝંકાર સાથે મળી ગયો, જેની સુરતા શરીરના પ્રત્યેક હલન-ચલન પર જાગૃત ચેતનાની ચોકી બની ગઈ અને બહારનાં બધાં જ અવલંબનો હટાવી જે સ્વસ્થ થઈ ગયા એવા મુક્તાત્માનો આ ચિતાર છે. પણ આવું જીવન શક્ય છે ? માણસના મનમાં દુબધ્યા – દ્રિધા રહ્યાં જ કરે છે. જ્યાં દુઃખના દાવાનળ સળગે છે. વ્યર્થતાના રણવિસ્તાર પથરાયા છે અને અંતે મૃત્યુની ભેંકાર ખીણ મોં ફાડીને ઊભી છે ત્યાં આ આનંદની, સાર્થકતાની, નિર્ભયતાની આશા જ ક્યાંથી ? ભજનિક સંત ત્યાં સુરતાને સંભાળવાનું કહે છે અને ભારે ભરોસાની વાણી ઉચ્ચારે છે :
“વનવગડામાં કાંટું, એમાં
ફૂલડાં કેરી ફાંટું રામ
- એવી ભગતિની વાટું.

ભડભડ સહરા સીમ બળે એમાં,
ઝરમર ઝરમર છાંટું, રામ
- એવી ભગતિની વાટું.”

    આ વાટ કેવી છે ? બહુ મનોરમ છે ને વળી મંગલમય છે. ભવની ભુલામણીમાં જાણે કંકુવરણી ઊજળી કેડી પડી ગઈ છે. અને પોતાની તીવ્ર ઝંખનાના વેગથી જ પરમ તત્વની મિલનબંસી ત્યાં આમંત્રણ આપતી સંભળાય છે :
“ આ રે મારગડે પગ દીધો કે ભાઈ,
તરસ બનતી તેડાં,

બીક બલાનું નામ ન અહીંયાં
અવધૂત સંગ અલેડા
એવા કંકોળેલા કેડા.”
 
    સુરતા ને શબદ જ્યાં એક બની જાય છે ત્યાં સહજનો પ્રદેશ શરૂ થાય છે. એક આનંદમય પ્રકાશથી બધું ઉજ્જવળ બની જાય છે. બધી દ્રિધા ઓગળી-પીગળી જાય છે અને માણસ બોલી ઊઠે છે : ‘નમો રુદ્રાય, નમો ભદ્રાય.’ સહરાથી દૂર નહીં પણ ભડભડ બળતા સહરાના અંતરાલે તે કરુણાની અમીવર્ષા અનુભવી શકે છે. રુદ્ર અને ભદ્ર એ બંને સ્વરૂપમાં તે એક જ તત્વની આનંદલીલા નિહાળી શકે છે. જીવનમાં આવું ‘સામરસ્ય’ સીંચવું એ જ સુરતા અને શબદની સિદ્ધિ છે. ‘સરોદ’નાં ભજનોમાં અનેક સ્થળે એનો ઇશારો જોવા મળે છે :
“અમારા વનરાયું મ્હોરે,
સુરતનાં ફૂલ ફોરે,
નરતે તો તોરે ગેબી ગજવી અહલેકા રે,
હો માડી, તારા મોરલાને દઈ જા સત-કેકા.”
*
“જેડી કરણીની હોય કમાઈ
મેરે ભાઈ,
હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.
જ્યોત જ્યોત મેં ભેદ બહુત હે
જેસી પંડ પુરાઈ રે હો જી,
પાટે પ્રગટી ઝળહળ જ્યોતિ
વ્રેમંડ વેધ વધાઈ –
મેરે ભાઈ,
હેડો શબદ નીસરે ધાઈ રે હો જી.”
*
“ભીતર બોલે કોઈ બાવો
હે જી રે મારે ભીતરે બોલે કોઈ બાવો
દુનિયા દોરંગી એને દવલી ન લાગે,
એ તો મોતનેય કરતો મલાવો,
કહે છે કે દુનિયાની કડવી ને મીઠી ભાઈ
હોંશે પી જાવ કરી કાવો –
હે જી રે મારે ભીતર બોલે છે કોઈ બાવો.”

    ભજન એ આવી રીતે ભીતરથી જાગી ઊઠતા મહાપ્રાણની વાણી છે. હૃદયને આંગણે વાયક આવે છે. પરમનો સાદ સંભળાય છે ત્યારે ભજન એ સાદને ચૈતનના સ્તરેસ્તરમાંથી વળતો જવાબ આપતી વાણી બની જાય છે. ‘સરોદ’ કહે છે :
“પહેલે ભજને ભૂતલ જાગે,
દૂજે વ્યોમ અપાર,
ત્રીજે ભજને અંતરદેવા,
ચોથે જગદાધાર–
વાયક આવ્યાં દિલને દ્વાર.”

    પહેલાં પલટે ભૌતિક દ્રષ્ટિ. માત્ર નરી આંખે દેખાતું સ્થૂળ જ સાચું એવી જડતા બાંધી નજર. બીજે પલટે મનની કલ્પનાની, ખયાલોની સૃષ્ટિ. ત્રીજે અંત:કરણમાં નવા દૈવતનો સંચાર અનુભવાય. આપણા વ્યક્તિત્વનું અલગ ચોકઠું ભાંગી પડે અને પછી અંદરના દૈવતને જ સકળ વિશ્વમાં રમતું આપણે અનુભવી શકીએ. આ એક પોતાની જાતને નિતાંત પલટી નાખતી અંતરયાત્રા છે. ‘સરોદ’નાં ભજનો આ યાત્રાપથે ક્યાંક ઊંઘરાટાં, ક્યાંક મેઘલી રાતમાં ચાલનારાં, તો ક્યાંક ‘લખલખમાં એક અલખ’ને ઉપપાસતાં-ઝળકતાં પગલાંની વાત કહી જાય છે. પળના વિશ્રામ વિનાની આ ભીતરના રાહની અવિરામ યાત્રા છે. અને પરમ પદારથ પ્રાપ્ત કરવા માટે આરંભાયેલી આ યાત્રાની એવી તો ખૂબી છે કે જે વાટ વચાળે હાથ જોડીને બેસી જાય છે એને ખોબલે-ખોબલે ધરવી દેતું અમૃત સામેથી વરસતું આવી મળે છે; અને જે ચરણો ચાલવાનું છોડતાં નથી એમને અચલ અજન્મા તત્વનું સ્થિરત્વ ગતિમાંથી જ સાંપડે છે :
“હાથ જોડ કર બેઠ ગયે ઉન્હે
હાથમેં અમરત આયા રે હો જી,
ચલત રહે સોહી ચલતે ચલતે
હો ગયે અચલ અજાયા.
- મેરે સાંઈને
પરમ પદારથ પાયા રે હો જી.”

એક અસલી ભજનમાં આવે છે :
“મન માયલાની ખબરું લાવે,
એવા નૂરીજન નજરે આવે.”

    આપણી અંદર જ રહેલો જે જ્યોતિપુરુષ એને પ્રત્યક્ષ પામવાની આ વાત પણ એને માટે કોઈ નિયમ-કાનૂન તો બનાવી શકાય એમ નથી. આ જ રીત સાચી એવો કોઈ સિક્કો તો મારી શકાય એમ નથી. એ તો જેને જ્યાંથી લાગી ગઈ ત્યાંથી થઈ ગયા પાર. ‘ગા વાળે ઈ અરજણ’ જેવી વાત છે. ડાડા મેકરણ કહે છે :
“મું ભાયો તડ હિકડો, પણ તડ લખ્ખ હજાર,
જુકો જેઆ લગ્ગેઆ, સે તરી થેઆ પાર.”

    એકનો પાર પામી જતી આવી લાગણીના દીવા પેટાવતી અનેકવિધ સાધનાને ‘સરોદે’ ગિરનારી દીવડા તરીકે નિહાળી છે. ગિરનારની ટૂકે-ટૂકે જલી ઊઠતા જતિ, સતી, સાંઈના જૂજવા દીવા એક જ સિદ્ધનું આભામંડળ રચી આપે છે :
“દીવડે ગિરનારી ગોખ સોહાય રે,
દીવડા ગિરનારી, ગિરનારી,
દીવડે દીવડો ઓજસ પાય રે,
દીવડા ગિરનારી, ગિરનારી.
આ જ્યોતિથી ઝળહળતાં કંઈ જતિ સતી તે સંત,
જ્યોતની માંડી માંડણી એણે લહ્યો અનંતનો અંત.
દીવડે ગિરિવર ફરતી ઝાંય રે,
દીવડા, ગિરનારી, ગિરનારી.”
 
   ‘સરોદ’નાં ભજનોમાં સર્વમાં રમતા, છતાં સર્વથી સ્વતંત્ર ‘ગિરનારી બાવા’ની છટા અનાયાસ આવી જાય છે. એ તો બસ ગમે તેવી પણ પોતાની દીવડી પેટાવીને રંગ રાખવાનું કહે છે. અને એ સ્વયં સળગી ઊઠ્યા વિના તો બનતું નથી. કાયાની કાંડીમાંથી જ જયોતનો ફુવારો જગાવવાનો છે. માણસ જાતે પૂર્ણપણે ન પલટે ત્યાં સુધી એણે ‘પૂરણ નથી પિછાણ્યો’ અને પૂરણને પામ્યા પછી તો એનું મૌન જ સઘળી મર્મની વાત કહી આપશે. આ માટે આપણા ભજનિક સંતો જીવતાં મરી જવાની વાત વારંવાર કહે છે. માંયલાને ગાળી નાખ્યા વિના મરમની ભાળ મળતી નથી. સૂફી સંતો એના બે ભેદ પાડી બતાવે છે. એક છે માણસની મૂળ નિમ્નપ્રકૃતિ – નફસ, બીજી છે તેની બહારની વૃત્તિઓ –સિફત. નફસને બદલ્યા વિના સિફતને બદલવાનો પ્રયત્ન નિષ્ફળ જવાનો. મૂળ હશે તો ડાળખીઓ ગમે તેટલી વાર કાપતા છતાં ફૂટી નીકળશે. એટલે માણસની ધાતુ પલટાવવા માટે જ ભજનની ધમણ રાતદિન ચાલું રાખવી જોઈએ. કાદવમાંથી જેમ કમળ, કીટમાંથી જેમ ભ્રમર, ઈંડામાંથી જેમ પક્ષી. એમ માણસને આજ જીવનમાં નવો જન્મ પ્રાપ્ત થાય ત્યારે તેનાં ભજન ફળ્યાં કહેવાય. ‘સરોદ’ આ મૂળગત સ્વરૂપ-પલટાને જૂજવી રીતે ગાયો છે :
“બારાખડીમાં બેઠો શબદ એ
કીટ સમો કમકમે,
દરદી દિલડું ડંખ દિયે એ એને
પાંખ આવે એ સમે –
શબદ તો ભમરી થઈને ભમે.”
*
“હો મોરલાને માનસરનો હંસ થાવું.
રંગબેરંગી પીંછડાં કેરો એણે
હોંશે ઉતાર્યો ભાર,
ભીતર જ્યોતે શ્વેત થયાનો એના
અંતરિયામાં ઇતબાર રે,
હો મોરલાને આ રે કાયમાં પલટાવું –
હો મોરલાને માનસરનો હંસ થાવું.”
*
“રાફડા ખોદ્યે એનો” અંત ન આવે
એ તો છેક તળિયે સંતાણી રે હો જી,
એક ખોદો કે બીજો ક્ષણમાં ઊભરે
એ વાત કોઈથી ન સમજાણી,
સંતો રે ભાઈ,
શોધો રાફડાની રાણી રે હો જી.”
*
“તમે રે સોનું ને અમે રાખ.
રાણાજી, અમને રાખ મળ્યા છે સવા લાખ.
રાખે ભભૂતધારી તનડું બનાવ્યું,
જીવતાં બનાવ્યું એને ખાખ,
રાખે રમીને રમતલ રાજા નિહાળ્યો
હૈડું પૂરે છે એની શાખ –
રાણાજી, અમને રાખ મળ્યા છે સવા લાખ.”

    રાજરાણી મીરાં જયારે રસ્તાની ભિખારણ બની ગઈ ત્યારે મેવાડપતિનાં સોના-રૂપ-ઝવેરાત કરતાં અનેકગણા ઐશ્વર્યની સ્વામિની બની ગઈ. અને પછી તો : ‘કૃષ્ણ કૃષ્ણ મૈં કરતી થી તો મૈં હી કૃષ્ણ હો ગઈ.’ – એ પરમને પામી ગઈ. જેને ભજનવાણીમાં ‘શબ્દુનાં બાણ લાગે છે તે આમ ‘હુંપદાને હણીને’, સદંતર ખાખ થઈને જીવનનો ખેલંદો બની જાય છે. ‘સરોદ’નાં ભજનોમાં એક જ રટણા સંભળાય છે : ભજન અવ જીવી જાણાં.’ ભજનનો તેમણે એક કાવ્યપ્રકાર તરીકે નથી ખેડ્યાં, પણ જીવતરની વાટે ભલકારા આપતા ભેરુ તરીકે પ્રીછ્યાં છે, પોંખ્યા છે :
“ભજનને, ભાઈ, ભેરુ કહીએ
સાથ સિધાણાં રે,
હાકલ દઈ હોકારતાં પાડે
પંડનાં થાણાં રે –
શબદ અવ જીવી જાણાં રે.”

    જીવનનાં તાજા, શેડકઢા દૂધની સોરમ આપતાં આ ભજનો ‘સરોદ’ને કંઠે સાંભળવાં એ એક લહાવો છે. અહીં તો ટાઢી છપાઈમાં પુરયેલાં આ ભજનો કોઈની સુરતાએ ચડીને આનંદની નોબત બજાવતાં, જીતનાં નિશાન ફરકાવતાં ગુંજી રહે એવી ઇચ્છા થઈ આવે છે. કબીર ના શબ્દોમાં :
“શબદ-જહાજ ચઢો, ભાઈ હંસા, અમરલોક લે જાઈ હો,
તહાંકે ગયે કુછ ભય નહિ વ્યાપે, નહીં કાલ ઘર ખાઈ હો,
કહ કબીર સુનો ભાઈ સાધો, અચરજ બરનિ ન જાઈ હો,
પ્રેમ-આનંદકી નૌબત બાજી, જીત નિશાન ફિરાઈ હો.”
- મકરન્દ દવે


0 comments


Leave comment