2 - દો બાતાં / નિવેદન / સુરતા / મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’


    ભજન એક રીતે જોઈએ તો માલિક સાથેની કે માલિક સંબંધીની ‘દો દો બાતાં’ જ છે. ‘સુરતા’નાં ભજનોની ‘દો દો બાતાં’ સાથે તે ભજનો સંબંધી પણ ‘દો બાતાં’ કરી લઉં.

    સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામને પાદર આવેલ નાના શા મંદિરના ઓટા પર બેસી ખોળામાં રામસાગર લઇ ધીમા સૂરે સુઝે તેવાં ભજનો ગાતાં કોઈ અલ્હડ બાવાનો હું સીધો વારસદાર છું. તે વારસો જાળવવો કઠણ છે, છતાં અણઘડ વાણીમાં જેવાં આવડે તેવાં ભજનો ગઈ મારો રામ રીઝવવા મથું છું.

    ‘રામરસ’ની જેમ આ ભજનસંગ્રહ પણ મારા પરમ પ્રિય મિત્ર શ્રી મકરંદ દવેની મીઠી મહેરબાનીનું પ્રતિક છે. આભાર શબ્દની સાથે જ તેમની મરમાળી અને મોબતીલી નજર વધારે બોલવાની મન ફરમાવતી દેખાય છે. આથી આ વાત અહીં જ પૂરી કરું.

    બીજું, મારા ભજનોની શરૂઆત એક અવતારી પુરુષની અદીઠ પ્રેરણાથી થયેલ છે. એ જ અવતારી પુરુષની પ્રગટ કૃપાદૃષ્ટિથી ભજનો લખાતાં રહે છે. તેમનાં ચરણમાં ભગવદ-ભાવે નમન કરું છું.

    અંતમાં, ‘સુરતા’નાં થોડાંક ભજનો પણ ભક્તો,ભજનિકો અને ભાવિકોને ભાવશે તો પ્રકાશન પ્રમાણ ગણીશ.
સરોદ
મોરબી
મહાશિવરાત્રી


0 comments


Leave comment