4 - પકડ / જનક ત્રિવેદી


બેસતા શિશિરની હવા ખુશનુમા હતી, છતાં અનંત વાઘમારેનું દિમાગ ફાટફાટું થતું હતું. નસેનસની કમાન ખેંચાતી હતી. કપાળ પરથી પરસેવાના રેલા ચાલ્યા જતા હતા.

રોજની જેમ અમસ્તી અટકાવી રાખેલી ઝાંપલી સાથે પૈડું અફળાવીને સાઇકલને સીધી બારણાં સાથે હંકારી ગયો નહીં. ઝાંપલી પાસે ઊતરી ગયો. ધીમેથી ઝાંપલીને ધક્કો મારી સાઇકલને ફળીમાં દોરતો પગથિયા સુધી દોરી ગયો. તાળું ખોલી બારણું ઉઘાડી અંદર પ્રવેશતાં સુધી કેળવાયેલા સંયમ વડે સ્વસ્થ હોવાનો દેખાવ જાળવી શકાય. અનંત વાઘમારે એમ સહેલાઈથી વિચલિત થાય એવો આદમી નથી. ઘરમાં વિસ્તરેલી નિબિડ અવસ્થાએ એને ઘેરી લીધો. મગજની પણછો તંગ બનીને છટકી ટેકા પડતાં આખું ઘર ખળભળીને ઢગલો થઈ જાય એમ તૂટી પડ્યું. ઝઝૂમી લેવાનું ઝનૂન, દ્રઢ મનોબળ, મિલકામદાર યુનિયનનું ખૂંખાર નેતૃત્વ અને જલદ આશાવાદ બધ્ધું જ.

એક માણસ એની નજર સામેથી ખસતો નહતો. એક નાનો એવો બટકો માણસ ચૂંચી આંખો મટમટાવતો એના વિકરાળ પંજા ફેલાવી અનંત વાઘમારેની નજર સામે પહાડ બનીને ઊભો હતો. અનંત વાઘમારેએ દાંત કચકચાવ્યા અને એની આંખો લાલઘૂમ બની ગઈ.

મિલ્સ એમ્પ્લોઇઝ સેન્ટ્રલ ઓર્ગેનિઝેશનનાં રક્તવર્ણા ઝંડાનો ફડફડાટ, કામદારોની બેહતર જિંદગીઓ વિશેની માગણીઓ હક્કો અને અધિકારો, મંત્રણાઓ, ઉપવાસ આંદોલનો, કામદારોનાં બચ્ચાંઓની બેહાલી, અને અનંત વાઘમારેની મજબૂરીઓને ફાડી ખાતો એક બેરહમ માણસ – લોહી તરસી શાર્ક સરખો, કામદારોને કચડી ખાતી કિન્નાખોરી અને તાકાત ધરાવતો, કમિટીની કારોબારી અને સરકારને ખિસ્સામાં રાખી ફરતો મિલ ઓનર્સ ઍસોસિયેશન ચેરમેન - માત્ર એક માણસ...! સજાવટના કુલહોલ વિકલ્પો ચાવી ખાનારો એક માત્ર માણસ...! માણસ નામે પીડા !!

અનંત વાઘમારેએ બન્ને હાથે વાળ પીંખી નાખ્યા. જામેલા તૈલી પરસેવાથી તરબતર કપાળ ડાબે હાથે લૂછ્યું. સિગારેટ પીવાની તલપ જાગી. ફર્સ પર પડેલાં બધાં જ સિગારેટનાં ખાલી ખોખા તપાસી જોયાં. અંતે એક બીડી શોધી કાઢી. પેટાવી. માથું ખુરશી પર ટેકવી ઉપરાઉપરી બેચાર ઊંડા કશ ખેંચ્યા. ક્ષણભર આંખો બંધ કરી પડ્યો રહ્યો. ફરી અજંપ આંખો ખૂલી ગઈ ને છતને તકતી રહી.

આછા પીળા રંગનું પતંગિયું ક્યાંકથી ઊડી આવ્યું ને ઘરમાં ચક્કર મારવા માંડયું. આછા રંગના બેકગ્રાઉન્ડ વચ્ચે પતંગિયાની પલક પલક થતી પીળી પાંખોના કલર કોન્ટ્રાસ્ટનું ઉડ્ડયન જોવામાં એ તલ્લીન થઈ ગયો.

અચાનક પતંગિયું બૂકશેલ્ફના ખૂણે બાજેલા એક જાળામાં ફસાઈને તરફડવા માંડયું. જાળામાં ઉદ્દભવેલા કંપને એક ખૂણે સંતાઈ બેઠેલો કરોળિયો ઝડપથી દોડી આવ્યો.

અનંત વાઘમારેને રસ પડ્યો. એ ઉભો થયો, બીડી પીતા પીતા કરોળિયાનો ક્રિયાકલાપ નિરખવા લાગ્યો.

જુગુપ્સાપ્રેરક રુવાંટીવાળા ગતિશીલ પગ, કાળાં ટપકાં જેવી તગતગી રહેલ આંખો, શિકારને જોઈ સતત લપલપી રહેલાં મોં પાસેનાં બે ઉપાંગવાળા પ્રમાણમાં તગડા દેખાતાકરોળિયાએ છૂટવાના પ્રયત્નોમાં વધુ ફસાતા જતા પતંગિયાની આજુબાજુ તીવ્ર ગતિએ આંટા માર્યા અને પતંગિયાને પોતાની લાળથી બાંધી દીધું. પછી પતંગિયું થાકીને લગભગ નિષ્ક્રિય બન્યું ત્યાં સુધી આતુરતાપૂર્વક રાહ જોતો રહ્યો. પછી ધીમે ધીમે નજીક સર્યો. પછી એને ચારે બાજુથી એના લાંબા ઘૃણાસ્પદ પગનાં પાશમાં લીધું અને પતંગિયાનાં પેટ પર ત્રણચાર ઝડપી ડંખ માર્યા. પતંગિયાના અંતિમ તરફડાટ પણ શમી ગયાં. પછી કરોળિયાએ પતંગિયાનાં પેટ પર બેચાર જગ્યાએ મોં માંડી જોયું, અને પસંદ પડેલા પેટની વચ્ચે મોં ખૂંપાવી દઈ પતંગિયાનો જીવનરસ ચૂસવામાં એકાગ્ર બની ગયો.

અનંત વાઘમારેને ઘૃણાનું લખલખું આવી ગયું. એણે રાખ ખંખેરી અને બીડીનો છેલ્લો કશ ખેંચ્યો. પછી બીડી ફેંકવા એનો હાથ નીચે વળ્યો અને અનાયાસ કરોળિયાના તરફ લંબાયો. બીડીનો લાલચટ્ટક ધગધગતો ગલ કરોળિયાનાપેટ પર ચંપાઈ ગયો. કરોળિયાનું શરીર બળવાની તડતડાટી થઈ થોડી દુર્ગન્ધ ફેલાણી, બે ચાર પગ તૂટી પડ્યા ને જાળાનાં થોડા તંતુ બળી ગયાં. પતંગિયા પરની પકડ છૂટી ગઈ, અને કરોળિયો નિર્જીવ બનીને એના જાળાના તંતુ પર એક પગે લટકી પડ્યો.

અનંત વાઘમારે ઉન્માદ અને ઉત્તેજના સાથે ફરી ખુરશી પર આવી બેઠો. આંખો બંધ થઈ ગઈ. બની ગયેલી ઘટના પોપચાઓના પડદા ઉપર ફરી ફરી ભજવાતી રહી.

પછી અચાનક માથું હળવું બન્યું હોય તેમ લાગ્યું. પછી અનંત વાઘમારેએ ખુરશીમાં લંબાવ્યું, પરંતુ એના બન્ને કસાયેલા પંજાએ ખુરશીના હાથા સજ્જડ પકડી રાખ્યા હતા.

૧૯૮૫


0 comments


Leave comment