19 - બહુરૂપી પવન / રમેશ આચાર્ય


પવનને જાણવામાં
પવનને સમજવામાં
જિંદગી ઓછી પડી.
મારીમાએ તેની ફેફસામાં
મારા પરિવારને જીવાડવા સંઘરેલો
ફૂંકણી દ્વારા બહાર ફૂંકાઈ
મારો ચુલો પેટાવતો પવન.
ગિરનારની ટોચ પર
ગુરુદત્તાત્રેયના
ચરણ પખાળવા ટાણે
નમ્ર અને ઠાવકો
બની જતો પવન.
ટીકરના રણમાં
મીઠાના અગર ઉપર થઈ આવતો,
ઠંડા કલેજે વાતો,
ખારીલો પવન.
મોક્ષધામમાં મારા પિતાની ચિત્તા
સારી રીતે જલદી સળગે
ત્યારે વાતો
હમદર્દ અને દયાળુ પવન.
જાણ્યા કરી પવનની લીલા
છતાં એમ લાગે
પવનને જાણવાની
પવનને સમજવાની
મારી મથામણ હજી અધૂરી.


0 comments


Leave comment