21 - મારીમા / રમેશ આચાર્ય


મમ્મી લખવા જઉં ત્યાં ભૂલ પડે.
અક્ષર ગરબડિયા થાય, અક્ષર તરડાઈ જાય,
અર્થ લડથડિયા ખાય.
શાહી માટે પેન છંટકોરવી પડે,
અર્થ પામવા શબ્દોને
વારંવાર સંકોરવા પડે.
મારીમા તો મને શરદી થઈ હોય
ત્યારે ગરમ ઠીકરી નાખી
ઝમેલું અજમાનું પાણી,
બધા વર્ણ અને બારાક્ષરી
વપરાઈ જાય પછી
બચી જતી વાણી.


0 comments


Leave comment