89 - નભ ન્યાળવાની કોઈ ને ફુરસદ ન આંખથી / મનોજ ખંડેરિયા


નભ ન્યાળવાની કોઈ ને ફુરસદ ન આંખથી
અંજાઈ સહુ ગયાં છે જટાયુની પાંખથી

બેઠો મોર ટોડલે અવસરનો કોઈ દિ’
તોરણ ખરી રહ્યું છે સૂકું બારશાખથી

નવ પલ્લવિત થવાનું છે પગરણ – સૂકાપણું ?
પીળાં ખરી રહ્યાં છે વરસ શાખેશાખથી

સળગી જવું કબૂલ હો એમાં તો, વાસ કર !
કવિતા તો છે મહેલ બનાવેલો લાખથી

ઢળતી ગઝલની કાય – ચિકિત્સા કરો નહીં !
જન્મી ઊડે ફિનિકસ ફરી ખુદની ખાખથી


0 comments


Leave comment