28 - ફળ કાવ્યો / રમેશ આચાર્ય


સફરજન

વાન જોઇ રાજગરા સાથે
સગપણ શોધવા લાગીએ,
પણ આ તો લાલ ઝભલું પહેરેલો મુન્નો,
સફરજન!
તેને કઇ જગ્યાએથી
બટકું ભરવું?

કેળું

પ્રશ્નાર્થ જેવું પડ્યું છે કેળું
તેને સરળ કરવા સીધું કરું
તો તૂટી જાય.
વાળવા જઉં તો ગોળ થઇ
શૂન્ય થઇ જાય.


સીતાફળ

મીઠી લીલી નાગણ
ડસી હોય તેવું
લીલું સીતાફળ.
આપ્તજને કરેલા ઘાના
સાચવી પડ્યું છે ભીંગડાં.


શિંગોડું

ધીરજ રાખી દૂર કરવી પડે
શિંગોડાના ઉપરના કોચલાની
સમગ્ર કાળાશ -
નીકળી આવે પછી
બુદ્ધ સમીપના અંગુલિમાલની
શ્વેતશ્વેતનમણાશે.


દાડમ

દાડમ ફોલી જોયું તો
સંકડાશ
ભીસ ભોગવતા ;
ગુલાબી મેઈકઅપ કરેલા,
મુંબઈની પરની ગાડીના
પેસેન્જર જેવા દાણા!


0 comments


Leave comment