20 - સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી / મનોજ ખંડેરિયા


સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી-હસ્તરેખા થઈ જતી ભીની
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું - ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કે આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દ બીજું શું ?
સતત કાગળની ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી


0 comments


Leave comment