20 - પ્રકરણ – ૨૦ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    દલાલ એટલે વિનાયક દલાલ; આસિસ્ટન્ટ મેનેજર, હંમેશા ગુસ્સાયેલા tone માં જ બોલવા ટેવાયેલા. 'દલાલસા’બ તુમકા બુલાતા હૈ,’ ઓફિસબોય જોસેફે આવીને કહ્યું એટલે નીલકંઠ સાબદો થયો. આદત પ્રમાણે એને હાથ ટાઈનો નોટ સરખો કરવા માટે લંબાયો, પણ પછી ખ્યાલ આવ્યો કે આજે તે ટાઈ પહેરવાનું જ ભૂલી ગયો હતો. કેવું સરસ ! ટાઈ ન પહેરી હોય એટલે તેને સરખી કરવાનો સવાલ જ ઉપસ્થિત ન થાય અને દલાલસાહેબનો ઠપકો ન સાંભળવો પડે. દલાલસાહેબ ડિસિપ્લિન અને એફિસ્યન્સીના ખૂબ આગ્રહી હતા; તેમનું ચાલે તે ઓફિસના એકેએક કર્મચારીને માટે ગણવેશ નક્કી કરે અને તે પહેર્યા વિનાની વ્યક્તિને એફિસમાં પ્રવેશવા ન દે. દલાલસાહેબના આવા બધા આગ્રહો જોઈને નીલકંઠને એનું શાળાજીવન યાદ આવી જતું. શાળામાં ઇન્પેગ્કટર આવવાના હોય ત્યારે વિદ્યાથીઓને તેમનાં સારાંમાં સારાં કપડાં પહેરીને, માથું બરાબર ઓળીને જ આવવાનો હુકમ હેડ માસ્તર કરતા; જે કોઈ વિદ્યાર્થી એ હુકમને અમલ ન કરતો તે ઇન્સ્પેકશન પતી જાય. પછી તેને શિક્ષા થતી... ક્યારેક નીલકંઠને પોલીસતંત્રનાં કાયદાકાનૂનોનો ખ્યાલ આવતો – બેલ્ટ પોલિશ થયેલો હોવો જ જોઈએ, બટન ચમકવા જોઈએ, ટોપી અમુક એન્ગલે જ ગોઠવવી જોઈએ, દાઢી બરાબર સાફ –

    નીલકંઠે ગાલ પર હાથ ફેરવ્યો. આજે તો તેણે દાઢીયે નહોતી કરી. જરૂર દલાલસાહેબનો ઠપકો સાંભળવો પડશે, તેને વિચાર આવ્યો. અને તે પેન્ટમાં શર્ટને બરાબર ઇન્સર્ટ કરતો એક ખૂણામાંના દલાલસાહેબના ટેબલ પાસે ગયો. તેઓ કશાક કામમાં હતા, નીલકંઠ એમની સામે જોઈ રહ્યો - એકે ય કરચલી વિનાનાં કપડાં, સાફ દાઢી, માથાં પરનો એક પણ વાળ સ્થાનભ્રષ્ટ નહિ, બૂટ પરનું તાજું જ પોલિશ, ખિસ્સામાં રૂમાલ ચોક્કસ એન્ગલ પર જ ગોઠવેલો.નીલકંઠને કોઈક મોડેલગર્લ યાદ આવી ગઈ - કદાચ પેલી રૂપાલી બેનરજી, જે એના શરીરના પ્રત્યેક તસુને સજાવેલો રાખવા મથતી હતી. આ સરખામણી પર પછી તેને જ હસવું આવ્યું - મનોમન, રૂપાલી બેનરજી અને વિનાયક દલાલ !... છેવટે એમણે ઊંચે જેયુ, એમની એ રીત હતી. એમને મળવાને જે કોઈ આવે તેને તેઓ થોડીક પળો સુધી તાકી રહેતા. નીલકંઠને ક્ષોભ થયો. તેણે વિચાર્યું : અત્યારે દલાલસાહેબની નજર મારી વધેલી દાઢીની કચોમાં, મારા વણહોળેલા - લુખ્ખા વાળમાં, મારા અસ્તવ્યસ્ત ખમીસમાં, મારી ગેરહાજર ટાઈની કલ્પિત ડિઝાઈનમાં રાતી કીડીની જેમ ચટકતી હશે અને એમનું મન ઠપકાના શબ્દો ગોઠવી રહ્યું હશે, ક્ષોભ વધી જાય તે પહેલાં દલાલસાહેબનો ઝીણો સ્ત્રૈણ અવાજ સંભળાયો :
    ‘પ્લીઝ... સિટ ડાઉન...’
    નીલકંઠ ચકિત થઈ ગયો. સામેની ખુરશીમાં દલાલસાહેબને બદલે બીજુ કોઈક તો નહોતું ને, એની ખાતરી કરવા માટે તેણે ચશ્માં ઠીક કર્યા - હા, એ જ ગોરો, સ્વસ્થ ચહેરો, ભૂખરા વાળ, દાંતનું ચોકઠું... નીલકંઠ બેસી ગયો. ખુરશી ખેંચી દલાલસાહેબ નજીક આવ્યા, એમણે આજુબાજુ જોઈ લીધું અને પછી વધારે ઝીણા સ્વરે કહ્યું :

    ‘મિ.પુરોહિત, પછી પેલી બાબત અંગે શો વિચાર કર્યો ?’
    ‘કઈ બાબત ?’ નીલકંઠે અનાયાસ વળતો પ્રશ્ન કર્યો તો ખરો, પણ તેને ખ્યાલ આવી ગયો હતો.
    ‘તે દિવસે મેં તમને કહી હતી તે વાત.’ દલાલસાહેબના સ્ત્રૈણ સ્વરમાં હવે રહસ્યાત્મકતાના તંતુઓ ઉમેરાયા હતાં.

    ‘ઓહ !’ નીલકંઠના મુખમાંથી ઉદ્દગાર સરકા પડયો અને એની આંખો સામેથી એરકન્ડીશન્ડ એફિસમાં ખુરશી પર બેઠેલા દલાલસાહેબ અદૃશ્ય થઈ ગયા અને એને બદલે એપોલો પરના ગેઇટ વે ઓફ ઇન્ડિયાનું દૃશ્ય આલેખાઈ ગયું. તે અને નીરા પથ્થરની પાળ પર બેઠાં બેઠાં દૂર દૂર સુધી વિસ્તરેલા સમુદ્રની નીલ જળપ્રવાહ તરફ નજર માંડી રહ્યાં હતાં, ઠંડા પવનની લહરમાં નીરાની સાડીનો પાલવ, રિસાતી, અબોલા લેતી માનુનીની જેમ સરસરાતો હતો અને ટૂંકા, સોનેરી કેશની લટો... સ્ટીમરો પર દીવાઓ જલી ઊઠ્યા હતાં અને મલીન આકાશમાં તેની ઉપસ્થિતિ સ્પષ્ટ બનતી હતી. ગેઇટ વે ઓફ ઇન્ડિયા પર ધીમે ધીમે માનવીઓની વસતિ ઘટતી જતી હતી. ચમકદાર ગાડીઓ ‘તાજમહાલ’ તરફ દોડી જતી હતી અને લોન્ચમાં બેસીને દરિયામાં એક રાઉન્ડ લઇ આવેલા લોકો ધીમે ધીમે પગથિયાં ચડી, ઉપર આવી, ઉત્તર દિશામાં ચાલ્યા જતા હતાં. નીલકંઠે બેત્રણ વાર કહ્યું : ‘ઊઠીશું હવે ?’ પણ નીરાએ કશો જ જવાબ આપ્યો ન હતો. ત્યાં પાછળથી પોતાના ખભા ઉપર કોઈકનો હાથ મુકાતાં નીલકંઠે ચમકીને એ તરફ જોયું. સાથે જ ‘હલો મિ.પુરોહિત !’ ના પરિચિત શબ્દો. દલાલસાહેબ હતાં. નીલકંઠ અદબભેર ઊભો થઈ ગયો. નીરા પણ તેની પાસે આવી. તેણે નીરાનો પરિચય કરાવ્યો. દલાલસાહેબે ‘ગ્લેડ ટુ મીટ યુ’ એવા થોડાક શબ્દો ઉચ્ચાર્યા. થોડી ઔપચારિક વાતો પછી ‘મિ.પુરોહિત, મારે તમને એક અગત્યની વાત કરવી છે-ઘણાં દિવસથી હું વિચાર કરતો હતો’ એમ એમણે કહ્યું અને હાથ પકડી તેને બાજુ પર દોર્યો. નીલકંઠે નીરાને ‘તું બેસ, હમણાં હું આવ્યો’ કહી દલાલસાહેબની સાથે તેઓ પંદરેક ફૂટ દૂર ચાલી ગેટવેના ઘુમ્મટના કાંઈક અંધકારભર્યા વાતાવરણમાં આવીને ઊભા. આસપાસ જોઈ, નીલકંઠની નજીક આવી, દલાલસાહેબે ધીમા સ્વરે કહેવા માંડ્યું : મિ. પુરોહિત, તમારે માટે એક સરસ તક છે — જે તમે સ્વીકારશો તો.....’

    ‘અચ્છા?’ નીલકંઠના શબ્દમાં ઉત્સુકતા તરી આવી,
    ‘હા, આપણે એડવર્ટાઇઝિંગનું કામ કરીએ છીએ તે કારણે હમણાં મારે એક વિદેશી એરલાઈન્સમાં પાકી ઓળખાણ થઈ છે.’ દલાલસાહેબે ભૂમિકા બાંધી, નીલકંઠ વાતના તંતુઓ જેડવા મથી રહ્યો; પણ તેને કશું ન સમજાયું.

    ‘તમે કદાચ જાણતા હશે કે આ એરલાઈન્સવાળાઓ સ્મગલિંગનાં બિઝનેસમાં પાવરધા.. સોનું.... અફીણ.... લકઝરી ગુડ્ઝ.....ધે વોન્ટ સમ સ્માર્ટ યંગ મેન, હુ કેન ડિલિવર ધી ગુડ્ઝ. કેરિયર તરીકે કામ કરવાનું... સાઇડ ઇન્કમ – પોશ જિન્દગી...મને તમારે વિશે - આઈ મીન તમારી એફિશ્યન્સી વિશે માન છે...તમારૂ ભાવિ સુધરતું હોય તે હું રાજી છું.... યુ આર એ સમાર્ટ યંગ મેન.... ઈફ યુ આર ઈન્ટરેસ્ટેડ, હું એ લેકોને વાત કરું’ અને દલાલસાહેબ સુસંગતતા વિનાનું હસી પડયા. હાસ્યનું એ મોજું શમી જાય તે પહેલાં તેમણે ખૂબ સ્ફૂર્તિથી ઉમેરી દીધું : ‘આપણે બંને પાર્ટનરશિપમાં કામ કરી શકીએ. યુ આર એન એફિશ્યન્ટ, વેલડિસિપ્લિન્ડ યંગ મેન....’

    નીલકંઠ આંખનો પલકારે યે માર્યા વિના દલાલસાહેબ સામે એ આછા અંધકારભર્યા વાતાવરણમાં જેઈ રહ્યો - એક કરચલી વિનાનાં એમનાં કપડાં, ટાઈને સપ્રમાણ નેટ, ક્લીનનશેવ ચહેરો, સફેદ પેન્ટ પર એક ડાઘ સરખો યે નહિ, પોલિશથી ચમકતા બૂટ, કોટના ખિસ્સામા ચોક્કસ એન્ગલે ગોઠવાયેલો રૂમાલ... ઊંઘમાંથી ઉઠાડીને પૂછીએ તો યે કહી દે કે ક્યા નંબરની ફાઈલમાં ક્યો કાગળ છે, કઈ પાર્ટીના કેટલા રૂપિયા લહેણા છે, કઈ કંપનીને ઓર્ડર કેનસલ થયો છે અને કઈ પેઢીનો વાર્ષિક કોન્ટ્રેકટ હવે પૂરા થવાનો છે.... કશા વિચારો આવવાને બદલે નીલકંઠના મનમાં દલાલસાહેબનું વ્યક્તિત્વ જ ઘૂંટાયે જતું હતું. એફિસબોય જોસેફ એમને ‘મિસ્ટર-ટાઈમ-પીસ’ તરીકે ઓળખાવતો -ઘડિયાળ જેટલા નિયમિત. જનરલ મેનેજર કુલકર્ણી એમને વર્ષમાં બે વાર ફરજિયાત રજા પર ઉતારતા ત્યારે તેઓ રજા લેતા.. ગયે વર્ષે એમની દીકરીનાં લગ્ન થયાં ત્યારે એમણે કોઈની કશી ભેટ કે ચાંલ્લો સ્વીકાર્યા જ ન હતાં.

    ‘શું વિચારે છે. મિ, પુરોહિત ?’ ફરીથી દલાલસાહેબને સ્વર વહી આવ્યો - સાવ ઝીણો, છતાં નીલકંઠને લાગ્યું કે એ અવાજ આ ઘૂઘવતા સાગરના જલપ્રવાહની જેમ તેના અસ્તિત્વને ગળાડૂબ ઘેરી રહ્યો હતો. તે માંડ બોલ્યો : ‘કાંઈ નહિ સાહેબ !’

    ‘ઉતાવળ નથી. નિરાંતે વિચાર કરજો.’ દલાલસાહેબ મોટેથી બોલ્યા, ‘પછી વાત’ એમણે ધીમેથી ઉમેર્યું : ‘પણ આ તક જવા દેવા જેવી નથી. મહેનત કશી નહિ, જેખમ નહિ જેવું અને ફાયદો ઘણો બધો.’ ત્યાં નીરાને એ તરફ આવતી જોતાં તેમણે કહ્યું : ઈવન યોર વાઈફ કેન હેલ્પ યૂ.....'

    નીરા નજીક આવી એટલે દલાલસાહેબ ‘ગુડ નાઈટ !’ કહીને ચાલ્યા ગયા. કોણ જાણે કેમ પણ નીલકંઠે જોરથી નીરાનો હાથ પકડી લીધો. ‘શી વાત હતી હતી' નીરાએ પૂછ્યું. કેશ બોલ્યા વિના નીલકંઠ નીરાના હાથને સહારે ગેઇટ-વેની બહાર આવ્યો. હવે રાત ઢળી ચૂકી હતી. દોડતી ગાડીઓની હેડલાઈટોની વાચાળ ઝિલમિલાહટ સિવાય શાંતિ પથરાવા લાગી હતી. નીરાનો હાથ પોતાના હાથમાં જ રાખીને નીલકંઠે ચૂપચાપ ફૂટપાથ પર ચાલવા લાગ્યો,

    ‘તને ઓફિસમાં કશુંક પ્રમોશન આપવાની વાત હતી નીલ ?’ નીરાનું કુતૂહલ શમી શકતું ન હતું. નીલકંઠ એ પારખી ગયો. ગુલમહોરના એક વૃક્ષ નીચે તે ઊભો રહી ગયો અને તેણે નીરને કહ્યું : ‘વાત એથી ઘણી ગંભીર છે નીરા ! ઘેર જઈને હું તને એ કહીશ !’

    ‘ઓ.કે’ કહી નીરાએ એક ખાળી ટેક્સીને થોભાવી. બંને એમાં ગોઠવાયાં. નીલકંઠને હોઠ ચૂપ હતાં. નીરા થોડી થોડી વારે એની તરફ જોઈ લેતી હતી. નીલકંઠના કપાળ પર કરચલીઓ ઊપસી આવી. તેણે બળપૂર્વક નીરાનો ખભો પકડી લીધો. ‘શું થાય છે નીલ ? ‘ નીરાએ પૂછ્યું. નીલકંઠે કશો જવાબ ન આપ્યો. ટેક્સીએ બંનેને ઘર પાસે ઉતાર્યા. નીરા ઝડપથી દાદર ચડીને ઉપર આવી, તાળું ઉઘાડી લાઈટ જલાવી ત્યારે નીલકંઠ તો હજી દાદરનાં પગથિયાંમાં હતો. ‘નીલ ! જલદી ઉપર આવી જા,' નીરાએ બૂમ મારી, પણ નીલકંઠના પગમાં વેગ ન આવ્યો. તે છેવટે ઉપર આવ્યો ત્યારે હાંફતો હતો. નીરાએ તેને રૂમમાં લઈ લીધો. પછી બારણું બંધ કરી તેને પલંગમાં બેસાડી તેના ફરતે હાથ વીંટાળી તેને પૂછયું : “ વોટ્સ ધિ મેટર ?”

    નીલકંઠે ઊંડો શ્વાસ લઈ બધી વાત કરી અને તે નીરા તરફ જોઈ રહ્યો. નીરા એની એ દૃષ્ટિથી ભયભીત બની ગઈ હોય તેમ તેણે બીજી તરફ જોઈ લીધું. થોડીક ક્ષણે પછી તેણે ધીમે ધીમે ફરીથી નીલકંઠ ઉપર નજર નાખી. હવે તે તેને તાકી રહ્યો નહોતો, તેણે તેને લગભગ આશ્લેષમાં લેતાં પૂછયું :
   
    'તેં શો જવાબ આપ્યો ?’
    ‘મેં... મેં કશો જવાબ નથી આપ્યો નીર ! દલાલસાહેબે જ મને કહ્યું છે : “નિરાંતે વિચાર કરજો.” એટલે જવાબ આપવાની ઉતાવળ નથી, પણ મને –‘તું જરૂર વિચાર કરજે નીલ !’ કહી નીરાએ તેને ચુંબન કરી લીધું. નીલકંઠના હોઠ પર ઊભરાઈ આવેલા હજારોના હજારો શબ્દોને નીરાના એ ચુંબને ક્યાંના ક્યાં ધકેલી લીધા. અને એના હોઠ કોરા નિઃશબ્દ બની ગયા, પણ...પણ...

    દલાલસાહેબે એ પછી બેત્રણ વાર એ વાત યાદ અપાવી 'પછી તમે શો વિચાર કર્યો, મિ. પુરોહિત ?' એમ પૂછયું હતું અને દર વખતે નીલકંઠે ‘હજી કશો ચોક્કસ નિર્ણય કર્યો નથી સાહેબ !’ એવો એકસરખો જવાબ વાળ્યો હતો; આજે પણ એમને એ જ પ્રત્યુત્તર વાળવાની તે તૈયારી કરી રહ્યો હતો, ત્યાં દલાલસાહેબે કહ્યું : ‘હવે એ લોકો ઝાઝું નહિ થોભે હોં....’ એટલે નીલકંઠે ઝડપથી કહી નાખ્યું : ‘અચ્છા સાહેબ આવતે અઠવાડિયે હું આપને ચોક્કસ જવાબ આપી દઈશ.’ દલાલસાહેબના મુખ પર સંતોષની રેખાઓ ઊપસી આવી. તેમણે હાથ લંબાવી પૂછયું : ‘ડેફિનેટલી ?’ નીલકંઠે હાથમાં હાથ મૂકતાં ધ્રૂજતે સ્વરે કહ્યું : ‘યસ સર !’ અને તે તરત ત્યાંથી ઊઠીને પોતાની જગ્યા પર આવ્યો. પાછળથી દલાલસાહેબનો સ્વર લહેરાઈ ગયો : ‘એન્ડ વોટ અબાઉટ યોર વાઈફ ?’ પણ નીલકંઠે જાણે એ પ્રશ્ન સાંભળ્યો જ નથી એમ તે તરફ દુર્લક્ષ કર્યું, છતાં, એના મનમાં એ શબ્દો કયાંય સુધી પડઘાતા રહ્યા : “ એન્ડ વોટ અબાઉટ યોર વાઈફ ? '
(ક્રમશ:....)


0 comments


Leave comment