42 - મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકે / મનોજ ખંડેરિયા


મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકે
એનાં ખરેલા પાનને અડકી ય ના શકે

એવા છે ચ્હેરા કૈંક જે છૂટે ન દ્રષ્ટિથી,
ભીંતે છબિની જેમ તે લટકી ય ના શકે

વ્હેતી રહી અવાજની સરવાણીઓ ભીતર,
કંઠે ડૂમો છે એવો કે ત્રબકી ય ના શકે

કાયમ ખૂલી રહે છે પ્રતીક્ષાની ટેવથી,
આંખો હવે તો ઊંઘમાં ઝબકી ય ના શકે

આજે દ્વિધાનો પંથ ચરણે નડી ગયો,
આગળ વધી શકે નહીં, અટકી ય ના શકે

આંખોને દોસ્ત, આજ નદી કઈ રીતે કહું ?
જે આવે ઘોડાપૂર તો છલકી ય ના શકે


0 comments


Leave comment