17 - વીંટીને શ્વાસ ફેંક્યો ને ઝીલ્યો પાછો હથેળીમાં / મનોજ ખંડેરિયા


વીંટીને શ્વાસ ફેંક્યો ને ઝીલ્યો પાછો હથેળીમાં
ફરે છે એકધારો ત્યારથી ગરિયો હથેળીમાં

રૂપેરી ઝીલી લીધું છાપરેથી પડતું ચાંદરણું
ખજાનો વિશ્વનો આવી ગયો આખો હથેળીમાં

અમે ક્યારેક કોડીથી રમ્યા’તા એજ કારણથી-
દિવસ ને રાત ખળભળતો રહ્યો દરિયો હથેળીમાં

છબિ ફૂટયાની ઘટના પર ચડી રજ કૈંક વરસોની,
છતાં ખૂંચે છે ઊંડે કાચ ની કરચો હથેળીમાં

ઊછળવા લાગ્યું ઘોડાપૂર ધસમસતું રગેરગમાં,
ઝીલ્યો જયારે પ્રથમ વરસાદનો છાંટો હથેળીમાં.

અમે પકડીને પોપટને પૂરી દીધો છે પીંજરમાં,
નિરંતર ત્યારથી ફફડી રહી પાંખો હથેળીમાં

સહજ રીતે પ્રસાદી અંજલિમાં પ્રાપ્ત થઈ તો પી !
ન મળતો છાસવારે પોષનો તડકો હથેળીમાં


0 comments


Leave comment