5 - ભાગ – ૫ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


    હૃદયની વાતની જેમ હૃદયરોગની વાત પણ જલદી ફેલાતી હશે એમ લાગે છે. મીરાંબાઈની જેમ મારે પણ ‘અબ તો બાત ફૈલ ગઈ, જાને સબ કોઈ’ વાળી સ્થિતિ આવીને ઊભી રહી. પત્રો લખીને અને સદેહે ઉપસ્થિત થઈને સ્વજનોએ ચિંતા પ્રગટ કરવા માંડી. નોકરી માટે વર્ષોથી વી.આઈ.પી. બસમાં આવજા કરું છું, પણ મારા પોતાના સિવાય કોઈને હું ક્યારેય વી.આઈ.પી. લાગ્યો નથી; પરંતુ આ માંદગીને કારણે હું રાતોરાત વી.આઈ.પી. બની ગયો. સરસ્વતીચન્દ્રને પોતાના શ્વશુરગૃહે-સુવર્ણપુરમાં-આવેલો જોયો ત્યારે એનું આગમન કુમુદમુંદરીની પતિવ્રતાવૃત્તિને નહોતું ગમ્યું, પણ ચિત્તવૃત્તિને ગમ્યું હતું એમ આ વી.આઈ.પી. બની જવાનું મારા ખિસ્સાને પોસાય તેમ નહોતું, પણ મારી ચિત્તવૃત્તિને એ અવશ્ય ગમ્યું.

    ચિંતાનું પ્રમાણ, ચિંતાનો પ્રકાર અને ચિંતા પ્રગટ કરવાની રીત – સૌનાં અલગ અલગ હતાં. પણ કેટલીક બાબતો સર્વસામાન્ય હતી : બધાં ચિંતા પ્રગટ કરતાં હતાં, શુભેચ્છાઓ પાઠવતાં હતાં, અને બધાં જ સલાહ આપતાં હતાં.
   
    “કોની દવા કરો છો?” એક સ્વજને પૂછ્યું. મેં મારા ડૉક્ટરનું નામ કહ્યું એટલે કહે, “તમારા ડોકટર સારા હશે, પણ આમાં ડોક્ટર મહેતા સિવાય કોઈ ચાલે નહિ, શું ? ચાલો, આજે જ એપોઇન્ટમેન્ટ લઇ લઈએ.”
    “ડોક્ટર જાની સિવાય આમાં બધાં નકામાં.” અમારા બીજા એક સ્વજને કહ્યું.
    “ડોક્ટર શાહની દવા ન કરી તો ગયા સમજો.” એક સ્વજને ભારપૂર્વક કહ્યું. પછીથી દરરોજ એ ટેલિફોન કરીને હું ગયો નથી એની ખાતરી કરી, પછી જ બીજા કામે જતા.

    અમારા એક પરિચિત સજ્જન બાધા-આખડીમાં બહુ માને. એ માંદા પડે ત્યારે સૌ એમણે જુદાં જુદાં દેવ-દેવીઓની માનતા માનવાની સલાહ આપે :
    “દર પૂનમે ડાકોર ચાલીને જઈશ એવી માનતા લો.”
    “સારું થઈ જશે તો અંબાજીમાતાનાં દર્શને જઈશ એવી માનતા માનો.”
    “શીરડી સાંઈબાબાનાં દર્શને જવાની માનતા રાખો.”
    “એકવીસ સોમવાર કરીશ; સફેદ વસ્તુઓ જ ખાઈશ, અને સોમવાર પૂરા થયાં પછી લઘુરુદ્ર કરીશ એવી માનતા લો.”
    “તમારાં પત્નીને કહો કે સંતોષીમાતાના શુક્રવાર કરે; એમનું સૌભાગ્ય અખંડ રહેશે.”

    માનતા અંગેનાં આટલાં બધાં સૂચનોથી પેલા સજ્જન બિચારા મૂંઝાઈ જાય. જેમની માનતા નહીં માનું તે દેવ ક્રૂદ્ધ થઈ જશે એ બીકે બિચારા બધાં દેવોની માનતા માને. એમને એટલી બધી માનતાઓ માણવાની થાય કે સાજા થયા પછી એ બધી માનતાઓ પૂરી કરી રહે ત્યાં સુધીમાં તો પાછા માંદા પડી જાય. મારે પણ મારાં બધાં સ્વજનોનાં મન ને માન રાખવો હોય તો દસબાર ડોક્ટરની દવા કરવી પડે તેમ હતું; પણ મરવા માટે એક ડોકટર પૂરતા થઈ પડે એમ માની બીજા ડોક્ટરોની દવા લેવાનું મેં માંડી વાળ્યું.

    કેટલાંક સ્વજનો પોતાને ઇષ્ટ ઉપચારપદ્ધતિનો આગ્રહરાખતાં હતાં.
    “આમાં એલોપથીનું કામ નહીં. તમે આયુર્વેદ અજમાવો. અર્જુનારિષ્ટ લેવા માંડો. હૃદય મજબૂત થઈ જશે.”
    “જૂઓ, બધા રોગોનું મૂળ કબજિયાત છે. હરડેનું સેવન કરો.”
    "શિવામ્બિ પીઓ. અમેરિકામાં પણ આજકાલ શિવામ્બિથી હૃદયરોગ મટાડવામાં આવે છે.”
    “આજકાલ હોમિયોપથીનાં રિઝલ્ટ બહુ સારાં આવે છે. તમે એનો ટ્રાય કરો.”
    “કુદરતી ઉપચારની તોલે આમાં કશું ન આવે. તમે ઉરુલીકાંચન પહોંચી જાવ...''

    મોટા ભાગનાં સ્વજનો હૃદયરોગ અંગે હૃદયપૂર્વકની સલાહ આપી પોતાનો ધર્મ પૂરો થયેલો ગણતાં હતાં. પણ એક સ્વજન એક દિવસ કંઈક દવા લઈને આવી પહોંચ્યા. મારા પુત્રને કહે, ‘‘પાણી લઈ આવો.” પુત્ર પાણી લઈ આવ્યો એટલે ‘છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !’ એમ મેઘાણીએ ગાંધીજીને કહ્યું હતું તેમ મને કહે, ‘‘આ પી જાવ, બાપુ !”
    “પણ આ શું છે?” મેં ગભરાઈને પૂછયું.
    “દવા છે.”
    “કઈ દવા છે ?”
   
    “તમારે યાર, મમમમનું કામ છે કે ટપટપનું? આ દવા છે; અકસીર દવા છે; તમારે પીવાની જ છે. અર્ધા જ કલાકમાં પરિણામ જોવા ન મળે તો ફટ કહેજો.” એમનું આ છેલ્લું વાક્ય સાંભળી હું ચમક્યો. અમારા એક સગાની વાત યાદ આવી. તેઓ કંઈ માંદા પડેલા. એમના કોઈ મિત્રે કંઈક દવા લાવીને આપી અને કહ્યું, “પી જાવ. અર્ધા જ કલાકમાં પરિણામ જોવા ન મળે તો ફટ કહેજો.” પેલા પી ગયા ને અર્ધા કલાકમાં નહીં પા કલાકમાં પરિણામ જોવા મળ્યું. એ બિચારા એકદમ સીરિયસ થઈ ગયા ! એમને તરત હૉસ્પિટલમાં ખસેડ્યા ન હોત તો આજે એ આ જગતમાં ન હોત ! આ પ્રેરક દૃષ્ટાંત યાદ કરી મેં હિતેચ્છુ સ્વજનને કહ્યું, “તમારી દવા અક્સીર હશે, પણ...”
   
    'પણ-બણ કંઈ નહીં – તમારે દવા પીવી જ પડશે. દવા પીધા ભેગું હૃદય કેવું ઝડપથી ચાલવા માંડે છે, તે જુઓ !”
    “હૃદય જરૂર કરતાં વધુ ઝડપથી ચાલવા માંડે તો એટલી જ ઝડપથી બંધ પણ પડી જાય.’’ મેં ગભરાઈને કહ્યું.
    “શું, તમે તે ભલા માણસ ! તમારા જેવા વેદિયા માણસના ભાગ્યમાં દવાના રગડા ને ડાક્ટરના ખર્ચા જ લખ્યા હોય એટલે તમને સાચી વાત ક્યાંથી સમજાવાની ?” કહી, દવા ત્યાં ને ત્યાં ઢોળી, નારાજ થઈને જતા રહ્યા.

    આમ છતાં, મારે કહેવું જોઈએ કે બધાં સ્વજનો હું સાજો થઈ જાઉ એમ અંત:કરણપૂર્વક ઇચ્છતાં હતાં. એ બધાંની બધી સલાહનો અમલ કરી શક્યો નહીં એનો મને ઘણો અફસોસ ત્યારે પણ થયો હતો અને અત્યારે પણ થાય છે. પરંતુ જીવવા માટે એમ કરવું જરૂરી હતું એમ મને ત્યારે પણ લાગ્યું હતું ને આજે પણ લાગે છે.

(ક્રમશ....)


1 comments

ChandniBudhdhadev

ChandniBudhdhadev

Dec 27, 2017 05:51:40 PM

good

1 Like


Leave comment