3 - આંસુ વગર હરફરવાનું દુઃખ કોને કહેવું / મનોજ ખંડેરિયા


આંસુ વગર હરફરવાનું દુઃખ કોને કહેવું
સાવ સૂકું ઝરમરવાનું દુઃખ કોને કહેવું

અમે અતળના મરજીવાને ક્યાં ધક્કેલ્યા
કોરાં મૃગજળ તરવાનું દુઃખ કોને કહેવું

કોઈ તજેલાં સ્થળનાં સ્મરણો પગને વળગે
એ બંધન લઈ ફરવાનું દુઃખ કોને કહેવું

કશાય કારણ વિના ઉદાસી નિત મ્હોરે ને-
પર્ણ લીલાં નિત ખરવાનું દુઃખ કોને કહેવું

કૈં જ લખાતું ના હો એવા દિવસો વીતે
ઠાલા શ્વાસો ભરવાનું દુઃખ કોને કહેવું


0 comments


Leave comment