5 - ચક્કર / જનક ત્રિવેદી


    મૂળજી પટેલ પાનબાડીની દુકાન ચલાવતો, ખાતો-પીતો આદમી. બાપદાદા વારીનાં મકાનમાં બજારમાં પડતા એક ઓરડાની દુકાન ખોલીને બેઠેલો. એક બીજો સાઈડ બિઝનેસ પણ ચલાવે. આતાને લાઉડસ્પિકર અને રેકોર્ડિંગનો ધંધો હતો. જુનવાણી અસબાબ મૂળજીનો બાપ પછવાડે મૂકી ગયેલો. તેનો કંઈક ઉપયોગ તો કરવો રહ્યો. તે ખખડધજ લાઉડસ્પિકર અને સિનેમાનાં ગીતોની જૂની રેકર્ડ ગામડાંઓમાં લગ્નપ્રસંગે વગાડવા ભાડે આપે. મૂળજીને દુકાન સાચવવાની પળોજણ. આમેય એને ઇલેક્ટ્રિકની કડાકૂટ આવડે નહીં. કોઈ નવરો ધૂપ બેકાર અર્ધદગ્ધ ઇલેક્ટ્રિસિયન મળી જાય તો બાપના વારસામાંથી બે ફદિયાં દુકાને બેઠાં રળી લેવાનો મોહ મૂળજીને ખરો. મૂળજીને એ કમઠાણ ચલાવનાર એક જણ મળી પણ ગયો.

    કડવો એક તળપદો કોળી જુવાન. પાંચ ચોપડી ભણેલો. એની થોડી મગરૂરી પણ ખરી. ફિલ્લમની વાતો કરી જાણે. ગીંજાંમાં દાંતિયો અને બોલપેન રાખી ભણેલો દેખાવાનો એને શોખ. કોઈ ‘એવું' માણસ દેખે તો છાપું વાંચવાનો ડોળ પણ કરી લે. આર્થિક સ્થિતિ પાતળી. મજૂરી કરે. એમાંય એવું કે મોભો જળવાવો જોવે. મજૂરી કરવી, પણ પોતે બીજાથી નોખો પડે એવો ભણેલો મજૂર છે એવું કંઈક એના મનમાં એટલે મજૂરી ઓછી મળે. મોટેભાગે બેકાર રખડે. સારી મજૂરી આપનારા એને કેવળ મજૂર જ માને તે કડવાને ગમે નહીં. ઇચ્છા ખરી, પેલા એને મજૂરી આપે. પરંતુ ભણતરના અહમનો પોપટ પાળીને બેઠેલો કડવો એમ સામે ચાલી ‘એવાંવ’ની પાસે મજૂરી શાનો માગે ! કડવો એમ તો વટનો કટકો ને માથે ફાડિયું.

    ઝાઝે ભાગે બેકાર રખડતા કડવાની રગ મૂળજીએ પારખી લીધી.
    કડવો ઇલેક્ટ્રિકનું આછુંપાતળું - ફયુઝ બાંધવો, પીન આડીઅવળી ભરાવવી દોરડાં સાંધવાં ને એવું-તેવું બીજું છૂટક કામ જાણે. એટલે કડવાને દક્ષ ઇલેક્ટ્રિકસિયન દેખાવાનો પૂરો અભરખો. આવા કડવા ને મૂળજીએ પોતાના સાઇડ બિઝનેસના ઑપરેટર તરીકે ઝડપી લીધો.

    આજુબાજુનાં ગામડાંઓમાં લગ્નપ્રસંગે લાઉડસ્પિકર પરથી ફિલ્મીગીતો વગડાવવાના, ચૂંટણી પ્રચારની સભાઓમાં કે તાલુકા પંચાયતના પ્રમુખ જેવા કોઈનાં પ્રવચનો માટે મૂળજીને લાઉડસ્પિકરના ઓર્ડર મળે. પરંતુ મૂળજીને એ કડાકૂટ ફાવે નહીં. દુકાન બંધ કરી સાઇડ બિઝનેસ કરવાનું પાલવે પણ નહીં. પણ બે કાવડિયાં રળી લેવાનો લોભ, એટલે બેકાર કડવાને જાળમાં ફસાવવાનું કાવતરું ઘડાય.

    દિવસમાં બેચાર વાર તો કડવો મૂળજીની દુકાન પાસેથી પસાર થાય જ. મૂળજી એને જુએ. કડવાની અને મૂળજીની ચાર નજર ભેળી થાય.

    મૂળજી પાન બનાવતો બોલે; આવ્યને કડવા ! કેમ હમણે કળાતો નથી ?
    કડવાનેય દુકાને ઊભા રહીને સામે લટકતા અરીસામાં પોતાનાં ચીપીને ઓળેલાં ઓડિયાં અને પાતળી અણિયાળી મૂછો જોવાનો શોખ એટલે ઊભો રહે.

    ઘરાક હોય એટલે મૂળજી જાણી જોઈને શેઠાઈ ધારણ કરી મૂંગોમંતર થઈ જાય. જોકે મનમાં તો કડવાની મજબૂરીનો તાગ કાઢતો રહે. ઘરાગ જાય પછી કડવાને અચાનક જોયો હોય તેમ બોલે; લે આલ્લે ! તારું તો ઓહાણ જ નો રિયું, કડવાભાઈ. કડવો હસીને કહે; આપડે તો ઊભા જ છંઈ, ઘરાગ પેલાં. મૂળજી તાગ પામી જાય; આવ્ય આવ્ય કડવા, પાન બાન ખાશને ? કડવો પહેલા ઘાએ પાણી પાણી થઈ જાય. મૂળજી પૂછે; ક્યાં હાલે છે ધંધો ધાપો, એલા કડવા ? ક્યાંય નંઈ, આંટા ફેરાન આશરવાદ.

    ઠીક, ઈ તો હાલ્યા કરે, એમ જ. - કહી મૂળજી એને ચારમિનાર આપે. મૂળજી પ્રત્યેના અહોભાવમાં અભિભૂત થઈ જાય. તોય મૂળજી મગનું નામ પાડે નહીં. કડવો ચારમિનારના કડવા ધુમાડાના ગોટ કાઢતો, થડ સામે ખાલી જગ્યામાં ઊંધાં પડેલાં ખાલી ખોખાં માથે પગ ઉપર પગ ચડાવી ચૂપચાપ બેઠો રહે.
પછી મૂળજી ચૂપકીદી તોડે; તંયે હમણાં તો નવરો ને ? - મૂળજી એવી રીતે પૂછે જાણે કડવાનું નવરાપણું હજી હમણાં જ જાણયું હોય.

    હોવે આપડે સું દખ સે ! - કડવો દાંત કાઢે.
    તે કડવા, નાંદરખી જોયું છ ક્યારેય ?
    હોવ્વે. કેટલીય દાણ. મનોજભાઈના દોસ્તાર પૂંજાભાઈ મને હાર્યે તેડતા જાય. ક્યે, હાલ્ય કડવા નાંદરખી, બવ જલસો માયો છ આપડે નાંદરખીમાં. તી એનું સું છ ?

    જાવું છ તારે નાંદરખી ? લાગ છે. - મૂળજી કડવા તરફ ગલ લંબાવે.
    જાઈં. આપડે સું કામ છે. આાંય ! બાવો ઊઠયો બગલમાં હાથ !
    ઓડર છે, ગાણું વગાડવાનો. લાઉસ લૈન જાવાનું છ, કણબીની છોડીયુંનાં લગ્નમાં. જાવું છ તારે ?

    હોવ. જાઈં. આપડે તો ટેમ કાઢવાની વાત સેને !
    મૂળજી રોજના રૂપિયા દસ ઠેરવી, આવતા-જતાનાં બસભાડાના દસ રૂપિયા રોકડા પકડાવી દે. લાઉડસ્પિકર અને જૂની રેકોર્ડોનો લબાચો સોંપતાં કહે; કાલે દિ' ઊગતાં ટાઢાપોરે પૂગી જાવાનું છ.

    કડવો જાય, હરખપદુડો થાતો.
    કડવાને આ કામ માભાસરનું લાગે - મજૂરી કરતાં મર્ય ઓસું મળે... બે હારાં માણાં જોવે તો લાગે માણહ સે માભાહર્યનો. થોડી બીજી લાલચો ખરી. લગ્નપ્રસંગ હોય એટલે સારું જમણ મળવાનું. કડવાને દાળભાત પ્રિય. - જે એકાદ બે દિ નીકરી ગયા. આપડું સું જાય સે ! રોકડા દસ અને બસભાડું, લટકામાં લાડવા, ને વળી બે હારાં માણાં આપડને...! - પ્રસંગ પ્રમાણે “હારાં માણાં”ની વ્યાખ્યા અને કલ્પના બદલાતી રહેતી હોવી જોઈએ એવા વિશિષ્ટ લહેજોમાં કડવો “હારાં માણાં” શબ્દ ઉચ્ચરે. એક મધમીઠી - આશાભરી લાગણી એના દિલમાં છાની છાની રમ્યા કરતી, બલકે એ પંપાળ્યા કરતો. લગ્નપ્રસંગે ગીતો ગાતી જુવાનડીઓ મનગમતાં ગીત વગડાવવા આવે તો કડવો રમ્ય કલ્પનામાં સરી પડે... એકાદ છાનાં સ્મિતની આપલે, અથવા જાન ઊઘલતાં ગાડાંમાંથી ફૂલની ભાતવાળો પોપલીનના કરચલિયાળા રૂમાલનો કટકો ફરકી જવાની રમ્ય ઘટનાની સુંવાળી કલ્પના કડવાના જીવનમાં હજી સુધી સાચી પડી નહોતી. કડવો ઝાઝું સાહસ-હિંમત પણ કરે નહીં; ખોટું લાગી જાહે તો બચાડીને ! આપડી આબરૂની માં પૈણાય જાય ઈ નોખી. ભણતરના આભિજાત્ય સંસ્કાર પણ ખરા કડવામાં. પરંતુ એવું કંઈ કળાવા ન દે કડવો. મનમાં પરણે ને મનમાં રાંડે.

    એક બીજો ભાવ કડવાને. ખુરશીઓ ઉપર બે પાંચ મોટા માણસો બેઠા હોય ને સામે હકડેઠઠ્ઠ સભા બેઠી હોય ત્યારે ઇલેક્ટ્રિકનાં દોરડાં આમથી તેમ જોડે, જૂનાં એમ્પ્લીફાયરમાં એક બે પીનો આમથી તેમ ખોસે, બે ચાર સ્વીચ ઉઘાડ-બંધ કરે, પછી બધાં એની સામે અચરજથી જુએ છે ની ખાતરી કરીને સ્પિકર ઉપર થોડા ટકોરા પાડે, એક બે વાર જોર જોરથી ફૂંક મારે પછી બે ચાર વાર એલાવ-એલાવ બોલવાની લ્હાવો લેવાનો ગર્વ પંપાળી લે. બહુ ગમતું કડવાને, બે સારાં “માણાં’ જોવે તો.

    મૂળજીનો પ્રસ્તાવ સહર્ષ સ્વીકારીને વળતે દિવસે એમ્પ્લીફાયરનો સરંજામ લઈને કડવો જઈ પહોંચતો ગંતવ્ય સ્થાને.
    બે ત્રણ દિવસ કડવો એમપ્લીફાયરનો બાપ બની જાય.

    મૂળજીને આઘો હડસેલી પોતે મૂળજી બની જાય. એમ્પલીફાયરની રગેરગનો જાણે જાણકાર !... હાય વોલ્ટેજ હોય તો આવડી આ સાંપ દાબવાની, લો હોય તો ઓલી ઈસ્ટીલની, લાઉસ કરવું હોય તો એ હામટું બુટાન ફેરવી નો નખાય... એ. આમ... હડવે-હડવે થોડું વધારતાં જાઈં. લાઉસ તો આવુજાનાં. બીજાં હંધાય ડબલાં ! આ અસલ મેડીન ઈંગલાંડ, ઓરિજિનલ ઈગ્લાંડનું હો ! આાતા મુંબઈ ગયાતા તે લેતા આવેલા. કોના આતા એ કડવો બોલે નહીં. મૂળજીનો આવિર્ભાવ એનામાં પ્રવેશી ગયો હોય પછી કઈ રીતે બોલે કે, - મૂડજી ના આતા મુંબઈ ગ્યાતા ! પછી બાપદાદાવારીનો પોતાનો જ ધંધો હોય તેમ કહે; પીકરીયાં બાપુ. એવાં આવે છ કે તમે જોયાંય નો હોય ! પીકર પાંહે મછલું ગણગણે તો લાઉસમાંથી જાણે બલૂન ગાજતું હોય એવો દેકારો હંભડાય, હમજયા ! વિસ્મય વિમૂઢ ગામડિયા શ્રોતાઓ કડવાનાવા અપરિમિત જ્ઞાનથી અભિભૂત બની ડોકાં હલાવી બોલે; ... ભારી વાત કરી હો તમે, કડવાભાઈ.

    કોઈ પૂછે લાઉડની કિંમત કેટલી ને કિંયાથી મળે તો કડવો એમ્પલીફાયરની જનમપત્રિકા જાણતો હોય એવી અજબ ગજબની વિગતો પેશ કરે;... પીકર બગડી ગયુંતું તી મૂડજી ક્યે કે જુનાગઢથી બીજું લઈ. મેં ક્યું નો લેવાય જુનોગઢથી, હારું લેવું હોય તો રાજકોટથી, નકર અમદાવાદ... ઓહો ને ટાશકા જેવું આવે આવુજાનું.... પાસું વીહપચ્ચી હોંઘુંય પડે ન્યાં. પછે મેં લીધું રાજકોટથી.

    કડવો મૂળજીના કે એમપ્લીફાયરના અચ્છા ટૅક્નિશિયનના સ્વાંગમાં આવી જાય. મૂળજીનો છેદ ઊડી જાય.

    વરણાગિયો કડવો કણબીની જુવાન છોડીઓનાં મનનો ઊંડો પારખું. સાચો પારેખ, પણ કટકી ‘સોનું” ચોરવાનું કામ એનું નહીં. એનાં એકે એક કામમાં માભો પહેલો. કચરા જેવી સાવ ઘસાઈ ચૂકેલી અને એક જ જગ્યાએ પીન ફર્યો રાખે તેવી રેકર્ડોની વચ્ચે હળવે રહીને એક માત્ર નવી રેકર્ડ ચડાવી દે. ‘નાગિન’નું ગીત - મન ડોલે મેરા તન ડોલે. મેરે દિલ કા ગયા કરાર- વાળું ગીત સાંભળી માંડવે ગીત ગાતી છોકરીઓ ગાતી થંભી જાય. એલી એય કાન્તુડી, મૂઈ હાંભર્ય તો... મન ડોલે - તન ડોલેવાળું ગાણું ! હજી તો છોડીઓ ગીત ગાવાનું ભૂલીને ગાણું સાંભળવામાં તલ્લીન થઈ હોય ત્યાં જ કડવો અચાનક રેકર્ડ ફેરવી નાખે ને બીજી નકામી ચડાવી દે. પછી કેવન્ડરના ધુમાડા કાઢતો પોતાના આઇડિયાની અસરની રાહ જોતો રહે.

    તરત મોઢે ચડાવેલી બે ચાર અલ્લડ છોકરીઓ રંગબેરંગી હીરથી ભરેલા પોપટ-મોલ્લા, ફૂલ પાંદડીઓ અને આભલાં-શિકલવાળા લાલ ચટક ઘેરદાર ચણિયા હિલોળતી દોડી આવે કડવા પાસે, કડવાના શ્વાસ એને ઘેરાઈ વળેલી યૌવનની મહેંકથી તરબતર બની જાય, જિંદગીની તમામ આપદાઓ વીસરાઈ જાય. કડવો ગંભીર બનવાનો ડોળ દેખાડે, આમ તો વાટ જોઈને બેઠો હોય. છોડીઓ માટે અવાજે રાવ કરે... ઉંચથા કાં ટટળાવતો એલા કડવા ભાય, લીયાવ્યા સો રોગી એક રેકર્ડ ઈયે નંઈં વગાડો હરખી તમેય બર્યું ?!

    કિયા ગાણાંની ? આંય તો ઢગલો પડીછ ! - કડવો ભોળો થઈ પૂછે. પડખેની બેનપણીને કોણી મારીને એક છોકરી બોલે. બર્યું મૂઈ, તું બોલ્ય હંમણે વાગતું ! - બધી છોડીઓ ખિલખિલ કરતી હસી પડે.
ખિલખિલાટ હાસ્યમાં, કાચની બંગડીઓના રણકારમાં, ઝાંઝરીઓના રૂમઝૂમ ધ્વનિમાં, હીર અને આભલાંના ભારથી ભારેખમ બનેલા ચણિયાઓના હિલ્લોળ ઊપજેલી હવાની લહેરખીઓમાં અને થનગનતાં યૌવનના મઘમઘાટમાં કડવો એવા તો મદહોશ બની જાય કે પોતે છોડીઓને રેકર્ડ ગોતવે વળગાડી ખોટીપો કરાવવાનું ધાર્યું હતું તે સમૂળું ભુલાઈ જાય અને કરવા ધારેલી વાત હોઠે જ ચડે નહીં. t ધારેલું બોલતાં ગેંગે ફેંફે થઈ જાય. ક્યાં ગઈ... કી હતી મારી હારી... ! - પછી માંડ એટલું પૂછી શકે. બોવ ગમે છ ઈં ગાણું તમને ?

    હોવ્વ ! - બોલતાં છોડીઓ પાછી ખી ખી કરતી ટકી પડે. રણઝણાટ જેવાં હાસ્યમાં ઝબકોળાઈ ગયેલો કડવો મનની મુરાદો ભૂલી ‘નાગિન'ની રેકર્ડ ગોતીને વાજાં ઉપર ચડાવે, ગીત શરૂ થાય ત્યાં તો છોડીઓ પરરર ફટ્ટ કરતીક ઊડી જાય. કડવાની જીભ ઉપર હૈયામાં ગોઠવી રાખેલા શબ્દો ટળવળતા રહી જાય; ... અત્તરનું પૂંભડું-બૂંભડું લીયાવ્યાં છો ક નંઈ ? કે હાવ કોરી કટ ધોડી આવીર્યું સો રેકડ વગડાવવા !

    લાડવા, દાળભાત, અત્તરનાં પૂંભડાં, સોપારીના કટકા, એલચીના દાણા, કેવેન્ડરનાં પાકીટ... હવામે ઊડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલકા હોજી... હોજી... અને ચણિયે ટહુકતા મોલ્લા ને પોપટ વચ્ચે કડવાના બે-ત્રણ દિવસ કોણ જાણે કેવાય સુગંધિત પસાર થઈ જાય.

    પછી એકાદ બીજે લગ્નપ્રસંગે કડવો પોતે મૂળજીના અધિકાર ધારણ કરી બારોબાર સોદો પતાવી લે અને રોકાઈ પડે... મૂળજીની ઐસી તૈસી, આાંય કોને પડી છ મૂળજીની...! પરંતુ એનો અર્થ એવો નહીં કે નવા સોદાની કમાણીનો એકાદ પૈસોય આઘોપાછો થાય, કડવાની ગરીબાઈમાં પણ એની પ્રમાણિકતા અકબંધ રહે.

    વધુ બે ત્રણ દિવસ ભરપૂર જીવીને, એનાં સંભારણાં હૈયે સંઘરી રાખી કડવો ખાલી ખિસ્સે પાછો આવી પહોંચે મૂળજી સમક્ષ, એવી અપેક્ષા સાથે કે – આજુ ખેલે તો મૂડજી આપડને ખટવી દેહે.

    મૂળજી જાણે, હમણાં કડવો મહેનતાણાની રકમ ઉપરાંત એડવાન્સ માગવાનો - ગાંઠે હોય તો તો જાણે આપી દે, ને કડવાને રાજી રાખે. પણ ખૂટી પડ્યાં હોય અથવા અથવા મજબૂરીપૂર્વક બીજા કોઈને ચૂકવવાનું બખડજંતર કરવા ધાર્યું હોય તો કડવાને હાલ તુરત ચૂકવવા પડે નહીં એવો પેંતરો મૂળજીએ રચી રાખ્યો હોય.

    કડવો બસમાંથી ઊતરી લાઉડસ્પિકરનો લબાચો લઈને સીધો મૂળજી પાસે આવે. મૂળજીએ ખાતરી હોય કે બસમાં ઊલળી ઊલળીને જાહલ થઈ ગયેલાં એમ્પ્લીફાયરનો એકાદ કારસો ખોટવાઈ જ પડ્યો હશે. ન ખોટવાણો હોય તો ખોટવી નાખવાનો કારસો મૂળજી કરી લે. કડવો કરે જઈ પાછો આવે એટલીવારમાં મૂળજીએ એમ્પલીફાયરનાં પેટનું નિદાન કરી રાખ્યું હોય;... એલા, કડવા, તું આ
   
    તોડી લાવ્યો છ, જો હવે હાલતું નથી...! આમ તું વાર પરબે મારું મોઘુંદાટ મશીન તોડી આવ્ય ઈ મદ્દલ નો પાલવે આપડને.

    કડવો ઘા ખાઈ જાય;... એલા, અમે જીવની જેમ જાળવ્યું તમારાં આ હખળડખળને, ને ઉપરિયામણમાં બે ભાડાં વધુકાં કરી દીધા. તયેં તમે આવાં આળ ઓઢાડોને... !?

    તી ક્યાં મફતમાં કર છ, લે છ રોજના દહ, ને લટકામાં બસભાડું.... કાવડિયાં માગ છ તી શરમ નથી આવતી ? અને આના રિપેરિંગનો ખર્ચ કોણ મારો આતો દેવા આવશે ?

    ઉલ્લાસમાં વિતેલા દિવસોનો રંગ - ખુમાર ક્ષણભરમાં ઊતરી જાય. એની અપેક્ષાઓ, ખુમારી અને માભાનો કુડુસલો બોલી જતો. આજથી તમારું કામ કરે ઈ તમારા પેટનો... કદર જ ક્યાં છ મારા કામની. - કડવો ખીજમાં ને ખીજમાં ઘૂંધવાતો મૂળજીએ પકડાવેલા પંદર વીસ રૂપિયા લઈ દુકાનનાં પગથિયાં ઊતરી જતો; ... આજથી આ દુકાનનું પાટિયું જોવે ઈ બીજા. કડવો નંઈ.

    મૂળજીનું કામ થઈ જાય. કડવાનાં મહેનતાણાની છટકાવેલી થોડી રકમમાંથી મૂળજીને પણ કોઈ અન્ય સમક્ષ ‘કડવા’નું પાત્ર ભજવવાનું હોય છે, એની કડવાને ક્યાંથી ખબર હોય !

    થોડા દિવસ કડવો દુકાન બાજુ ફરકે નહીં રસ્તો જ બદલી નાખે. દેખવુંય નહીં ને દાઝવુંય નહીં. બેકારી વધે. ખાલી ખીસ્સું કોઈનું સગું થાતું નથી... મારું હાળું વેંણ બોલાઈ ગ્યાં... તારી દુકાનનું પાટિયું જોવે ઈ કોળીના પેટનો નંઈ ! થૂક્યું કેમ ગળાય !?

    પણ મન છે ભારે આળવીતરું.. ઘૂંઘવાટ શમે ને પગ ઊપર પરભારા મૂળજીની દુકાન તરફ, દુકાન સામેથી પસાર થાય કડવાની મજબૂરીઓ અને અપેક્ષાઓ. મૂળજી બોલાવે ! તો જાઉંએ ખરો...! મૂળજી ગાલાવેલો થોડો હતો કે જરૂર વગર મીંઢો થઈ બીડી વળતો રહે અથવા પાનપટ્ટી બનાવતો રહે. તીર્યક નજરે જોઈ લે કે કડવો પસાર થાય છે. જાણે જોયો જ નથી એવો ડોળ કરે. આમેય હંમણે ક્યાં કોઈ
ઓડર આવવાનો છે. માગશરમાં મૂરત ખૂલે છ, તંયે ઓડર આવશે એટલામાં કડવો રિઝાઈ જાહે.

    થોડાં દિવસ મૂળજી-કડવા વચ્ચે રમત ચાલતી રહે. બસ, અણી પર હોય કડવાની આશા અને મૂળજીની સ્વાર્થપરાયણતા. માત્ર ખળભળીને જમીનદોસ્ત થવાની જ વાર હોય. મૂળજીને ઑર્ડર મળે. અણીની ક્ષણો કડડભૂસ કરતીક તૂટી પડે. કડવો ઘરાક રૂપે આવે. પાનના ગલ્લાના કઠેરા ઉપર જમણો હાથ ટટ્ટાર ગોઠવી મૂળજીનું મોઢું જોવું ન હોય તેમ રોડ સામે મોં ટેડું રાખી ઊભો રહે. પછી ડાબા હાથે ખિસ્સામાંથી પાવલી કાઢી જમણા હાથની વચ્ચેથી ગલ્લા ઉપર એનો ઘા કરે. મોં ટેડું જ રાખી સ્વરમાંની કડવાશ અને આડાઈ મૂળજીને વધુમાં વધુ પ્રતીતિકર લાગે તે રીતે ઑર્ડર ફેંકે. પાવલીની ત્રીસ નમ્મર, પછી પોતે ઘરાક તરીકે આવ્યો છે, ને એને મૂળજીની તમા નથી એવી એની અવહેલનાનો ભાવ ચહેરા પર જોઈ શકે તેમ પોતાનો ચહેરો મૂળજીને કળાવા દે. મૂળજી જુએ, પણ કળી જાય કે અંદરના ભાવ સમાધાનના છે. તેથી થાય એટલી નરમાશ વરતીને મૂળજી બોલે; બીડી તો આ આપી, લ્યો ! પણ ભૂંડ્યો. આમ આડું આડું કાં બોલો ? નંઈ રામ રામ... નંઈ ખબરઅંતર !

    કડવો એવી જ અદા જાળવી રાખી બોલે;... હવે બીડી દઈ દ્યોને. એટલે પત્યું. આપડે ક્યાં લાંબું કરવું છ !

    વેવારની વાતુંમાં બે ઠામડાં ખખડેય ખરાં, એમાં આપડો ભાયું જેવો સંમન્ન થોડો ભૂલી જવાય છે, ભલાદમી ! લે, ઉપર આવ્ય, કોક જોવે તો કેવું વહરું લાગે !

    કડવાના ચહેરા પરની કડવાશ ધોવાઈ જાય. કડવો મૂળજી સામે જુએ. મૂળજી તરત તક ઝડપે; લે... લે... હવે ખેલ રેવા દે ને ઉપર વયો આવ્ય મારો ભાય...! કડવો દુકાનનું પાટિયું ચડી જાય. ખોખાં ઉપર જઈ બેસે, જાણે મૂળજી ઉપર ઉપકાર કરતો હોય તેમ. મૂળજીએ તો કડવાની બધીયે વાતો માથે ચડાવેલી જ હોય.

    મૂળજી સામેની રેંકડીએ ઑર્ડર કરે; એલા એ. ઈ ગોધિયા, એક કડક મીઠી. જોજે પાછો મોળી મૂતરી જેવી બનાવતો નઈ. કાંક્ય ઊગે એવી કરજે.... કડવાભાઈનાં બર્યની. પછી ઊભો થઈ ઘરમાં પડતી ગડકબારીમાં ડોકું નાખી છોકરાને અવાજ દે, એલા જગલા, આંય આવ્ય. જગલો દોડતો દોડતો આવે. જા, તારી માને કેજે, કડવા ભાય મારી ભેળા જમશે... ને ડાર્યભાત બનાવે. ડાર્યમાં કોથમરી આદૂ નાખવાનું ભૂલે નંઈ. પછી પાછો આવી કડવા સામે આંખ મીંચકારી બોલે, વેવાર ઈ વેવાર... વેવારમાં તો બાઈડીની ભેરુ, હમજ્યો ને તું, કડવાભાય ? કહેતાં ખિસ્સામાંથી રૂપિયા કાઢે, ગણી ને કડવા તરફ લંબાવતાં કહે, લે તારા કેટલા પાંત્રીસ લેણા હતા ને ? લે, આ પંચાવન પૂરા, હાંઉં !

    કડવો લઈ લે. અંટસની ક્ષણો માખણની જેમ ઓગળી જાય. બન્ને જણ ક્ષોભ, સંકોચ કે છોછ વગરના વિશુદ્ધ કડવો – મૂળજી બની જાય. પછી અચાનક યાદ આવ્યું હોય તેમ મૂળજી બોલે, હારું થ્યું તું આવી ગ્યો તે... લે, તંઈ થોડી વાર થડે બેહ્ય, થોડું હટર પટર પતાવવાનું છ તી પતાવીન અબઘડીએ આવું ચપટી વગાડતાં.

     કડવો મૂળજી બની જાય અને મૂળજી ક્યાંક બીજે કડવો બનવા ઊપડી જાય. મુખવટા બદલાઈ જાય અને સુખસુખ. વાડીએ આટો મરવાનું, બે ત્રણ ઑર્ડરના સોદા પતાવવાનું, આવતીકાલ માટે ખેતરમાં નિંદામણ કરવા મજૂરો નક્કી કરવાનું એવાં ઘણાં નાનાં નાનાં કામ પતાવીને છેક બપોરના એક દોઢે પાછો ફરે. કડવાની પ્રમાણિકતા નો એને ગળા સુધી ભરોસો. કડવાને મૂળજીનો એ વિશ્વાસ ગમે. મૂળજી આવે ત્યાં સુધીમાં તો કડવાએ મૂળજીનું મહોરું ચસોચસ પહેરી લીધું હોય.

    મૂળજી આવતાં જ મોડું થયાનો રંજ વ્યક્ત કરે, મારું હારું મોડું થૈ ગ્યું, કડવા ભાય ! લે, ઊઠ્ય, જગલો બેહશે... હાથ મોઢું ધોઈ લે... બપોરા કરી લઈં, તને બોવ તકલીપ દીધી.

    એમાં, સું. મૂડજી ભાય, મેં ક્યાં મોથ્ય મારી દીધી છ, ભાયુંનાં કામ ભાયું નો કરે તો કોણ કરે ! ઈમાં તકલીપ-બકલીપ જેવું કાંય હોય જ નંય, મારા ભય.
દાળનો સબડકો ભરતાં મૂળજી આસ્તેથી પ્રસ્તાવ મૂકે... નવો ઑર્ડર છે સખપરનો, જાશું કડવાભાઈ, તારે નવરાશ હોય તો ?!


0 comments


Leave comment