2.12 - ચરણરજ / મહેન્દ્ર જોશી


ચરણ શું ને ચરણરજ શું ?
મને કહી દે પરમપદ શું ?

નીરખવા દે નિરાંતે મન
ઘટા શું ને અલકલટ શું ?

તને ઝંખું તને સ્પર્શું
જીવનનું અન્ય અચરજ શું ?

નિકટથી બહુ નિકટ છે તું
હવે શું કહું નિકટતમ શું ?

ન તું આવે ન બોલાવે
પછી આ પ્રેમ પનઘટ શું

ક્ષણોના આ ઉજાસોમાં –
બધે તું છે તમસવન શું ?

લપસણી ભૂમિનો છું વંશ –
શિખર શું ને અતળતળ શું ?

પવન ! જંપો હવે જળમાં
પછી કહેજો કમળવન શું

મુકુટ લઈ લે મણિ લઈ લે
અહમની રોજ અવઢવ શું ?

૦૫/૦૨/૨૦૦૪


0 comments


Leave comment