2.13 - દિવાસળી / મહેન્દ્ર જોશી


ક્યાંકથી આવી ચડી દિવાસળી
જ્યોત મારી આંગળીમાં સળવળી

મેં જીત્યો અંધારગઢ બસ મૌન રહી
ભોંયની કલકલ કથાઓ સાંભળી !

કોઈ પહેરણ જેમ ઈચ્છા દઉં તજી
સાપ પણ ત્યાગી રહે છે કાંચળી

શાલ ઓઢી રેશમી કવિતા કરે
ક્યાં ભલા તું, ક્યાં કબીરી કામળી !

હું તને ઝંખી રહ્યો’તો ક્યારનો
તેં ઝલકમાં માંડ દીધી વીજળી !

મિત્ર જોશી શું થયું છે આખરે
જંગમાં તમને સૂઝે છે વાંસળી !

૧૦/૦૨/૨૦૦૭


0 comments


Leave comment