2.14 - દ્વાર ખોલી નાખ / મહેન્દ્ર જોશી


જરા આગળ વધીને તાપણાનું દ્વાર ખોલી નાખ
સળગતી ને ભડકતી આ હવાનું દ્વાર ખોલી નાખ

હું ભસ્મીભૂત થાઉં કે પ્રલયજળમાં ડૂબી જાઉં
ગમે તે થાય પણ તારી દિશાનું દ્વાર ખોલી નાખ

વહન ઝરણાનું દે અથવા ઉડાવી દે વરાળોમાં
તું મારી આંખનાં ખાબોચિયાનું દ્વાર ખોલી નાખ

નથી હું સૂક્ષ્મ જંતુ કે નથી સરિસૃપ ઈચ્છાનું
હું તો શાપિત સમય છું આ ગુફાનું દ્વાર ખોલી નાખ

થયો સંદેહ તો મુઠ્ઠી વળી ગઈ એમ ઓચિંતી
ફરી આવી હથેળીમાં દુઆનું દ્વાર ખોલી નાખ

નથી તું પીઠ પાછળ કે નથી તું કાચબા આગળ
જરા પ્રત્યક્ષ થઈને ધારણાનું દ્વાર ખોલી નાખ

૧૫/૦૧/૨૦૦૨


0 comments


Leave comment