2.15 - હોઉં છું / મહેન્દ્ર જોશી


આ જગતને એ રીતે હું જોઉં છું
હું વિખૂટો અંશ કોઈ હોઉં છું

એક અમથા આગિયાનું તેજ છું
ને પછેડી આ તિમિરની ધોઉં છું

છો હશે તું વ્યર્થ ચેષ્ટાઓ ઉપર
રોજ મોટી બુદબુદાનાં પ્રોઉં છું

હું ભરું તો છાબડીમાં શું ભરું ?
શ્વાસ લઉં છું ને પ્રતિપળ ખોઉં છું

આંખ સુક્કી જોઈ છે મેં એમની
બુંદ જળના ટેરવાથી પ્રોઉં છું

ના કપાળે કોઈ કૂવો છે મને
રોઉં છું એ ક્યાં હું મારું રોઉં છું ?

૨૯/૦૯/૨૦૦૪


0 comments


Leave comment