2.16 - છે અને છે / મહેન્દ્ર જોશી


શ્વસી જે હવા તે બરડ છે અને છે
એમાં કાચ જેવી જ તડ છે અને છે

ઉપરથી એ સુનમ્ય, સુંદર સુકોમલ
અડું જો ભીતર તો અકડ છે અને છે

તું નાહક ઘરે ઓસ મોતી ખજાના
ચહેરા જે આમે છે જડ છે અને છે

મળ્યો બીજનો ના દરજ્જો કદી પણ
હકીકતમાં એ આદ્ય વડ છે અને છે

કપટવત્ તેં શિરચ્છેદ કીધો, છો કીધો !
હવે જંગમાં એક ધડ છે અને છે

ન કર દોડવાની ભલામણ તું એને
ગળે ઘંટી જેવું જ પડ છે અને છે

નહીં તો ઊડીને એ પટકાય શાને
કોઈ કેન્દ્રગામી પકડ છે અને છે

૨૯/૦૩/૨૦૦૬


0 comments


Leave comment