2.18 - મનામણાં / મહેન્દ્ર જોશી


કૈં ન હો તો એ ધારણા ય ન હો
મન ન હો તો મનામણાં ય ન હો

એક દીવાલ જે વધ્યા જ કરે
એક ઘર જેને બારણાં ય ન હો

તેજ છૂટ્યું, હવે નયન ખોલો
સાંજ ટાણે વધામણાં ય ન હો

જાત સાથે જ જંગ માંડ્યો છે
વેર જેનાં વળામણાં ય ન હો

વાઘ જેવો જ વાઘ લાગે છે
દૃશ્ય આથી બિહામણાં ય ન હો

જળમાં મૂકો તો તરફડી ઊઠે
જોજે એ મીન આપણાં ય ન હો

એ ભલે હો વિરાટ હિંડોળો
પણ ચરણ ખુદનાં વામણાં ય ન હો

૧૪/૦૪/૨૦૦૬


0 comments


Leave comment