2.20 - ધારી લે / મહેન્દ્ર જોશી


ઝરણ સૂતાં હશે પળવાર ધારી લે
ગળામાં મોતીઓનો હાર ધારી લે

કમળપત્રો ઉપર છે વહાલની મોસમ
ભલે હો સૂર્ય પાણીદાર, ધારી લે

હજી વરસાદને ધારી શકે છે ધાર
મનોમન આભ ધૂંઆધાર ધારી લે

સમય હો વીજળીનો તાર સંભવ છે
છતાં પંખી રચે સંચાર ધારી લે

ઊગે ટગલી પ્રશાખે ચંદ્રની કળીઓ
*ફરી ખુશ્બો ભર્યો અંધાર’ ધારી લે.

* સ્મરણ : પ્રહલાદ પારેખ
૧૭/૦૩/૨૦૦૪


0 comments


Leave comment