2.22 - વીજળી થઈ / મહેન્દ્ર જોશી


હા જે ક્ષણે પતંગિયાની પાલખી થઈ
હા એ જ ક્ષણ નિરભ્ર નભમાં વીજળી થઈ !

જો પાંપણોની પાળથી કૈં ઘૂઘરી ખરી
તારે ચરણ જઈ રૂપેરી ઝાંઝરી થઈ

મારી સકળ તૃષા ઉપર તું વાદળોનું છત્ર
મારા ય નામના ખડક નીચે નદી થઈ

ત્યાં ધૂમ્રના વલય સિવાય કૈં હતું નહીં
દીધો જરા મેં સાદ ત્યાં તારી છબી થઈ

સાચે જ રોમ-રોમમાં અખિલાઈ ઊમટી
મારી હયાતિ સામટી બેબાકળી થઈ

આ એક શિર જે ઉંબરે મેલ્યું વધેરવા
બહુ મ્હાલતું હતું કદી ત્યાં પાઘડી થઈ !

૨૪/૦૯/૨૦૦૧


0 comments


Leave comment