2.28 - અથડાઈ ગઈ / મહેન્દ્ર જોશી


એક ક્ષણથી બીજી ક્ષણ અથડાઈ ગઈ
વીજળી થઈ ને વ્યથા વીખરાઈ ગઈ

ભીંત તે બાજુ હતી, આ બાજુ થઈ
સ્થિતિ કારાગારની બદલાઈ ગઈ

આવવું પડશે નવાં રંગે રૂપે
જીભ તેં દીધી હતી કચરાઈ ગઈ

ભૂલવા જેવું બધું ભૂલી ગયા
માછલી માથે રહી વીંધાઈ ગઈ

બેઉ છેડેથી સમયને મુક્ત કર
બસ પ્રતીક્ષાની ઘડી સચવાઈ ગઈ

લે ઉસેટી લે પથારો શબ્દનો
જો રૂંવાટી ઘાસની અળપાઇ ગઈ

આપણે ચહેરે કરચલી જોઈને
દર્પણોની આંખ પણ શરમાઈ ગઈ

મિત્ર જોષી એ જ ડર સાચો પડ્યો
ઊંઘ નામે ચીજ લ્યો વેચાઈ ગઈ

૦૮/૧૧/૨૦૦૪


0 comments


Leave comment