72 - ક્યાંક દરિયા ક્યાંક રણ જેવા હતાં / દિનેશ કાનાણી
ક્યાંક દરિયા ક્યાંક રણ જેવા હતાં,
માણસો તરસ્યા હરણ જેવા હતાં.
રોજ વાંચીને તરોતાજા થઉં,
પત્ર પણ લીલા પરણ જેવા હતાં.
એટલે તો મેં ઉઠાવી આંગળી,
પ્રશ્ન પણ જીવન મરણ જેવા હતાં.
એમ લાગે કે બધાંયે વૃક્ષ તો,
રામના પાવન ચરણ જેવા હતાં.
એ પ્રથમ ને આખરી ઉન્માદમાં,
રાત-દિવસ જાગરણ જેવા હતાં.
દર્દ, પીડા, રંજ ને સંતાપમાં
ગીત, ગઝલો, અવતરણ જેવા હતાં.
0 comments
Leave comment