78 - ઘોર છે અંધાર ને હું એકલો છું / દિનેશ કાનાણી


ઘોર છે અંધાર ને હું એકલો છું,
ખૂલતાં છે દ્વાર ને હું એકલો છું !

મન વચન ને કર્મથી અળગો થયો જ્યાં,
તેં કર્યો પડકાર ને હું એકલો છું !

હા, ગમે છે ઊંચકીને ચાલવાનું,
સ્વપ્નનો છે ભાર ને હું એકલો છું !

લો ફરીથી આજ પાછો હું વિવશ છું,
સામે છે સંસાર ને હું એકલો છું !

એકસરખી છે કથા સૌની અહીંયાં,
છે સમય ખૂંખાર ને હું એકલો છું !

બેફિકર થઈ ઘૂમવાનો બસ હવે હું,
ખુદનો છે આધાર ને હું એકલો છું !

સૌ ઊભા છે પોતપોતાની વ્યથા લઈ,
જીવ છે લાચાર ને હું એકલો છું !

થઈ ગયો છું સાવ ડામાડોળ આજે,
છે દિશાઓ ચાર ને હું એકલો છું !!

એકલો છું એકલો છું એ જ છે બસ-
જિંદગીનો સાર ને હું એકલો છું !


0 comments


Leave comment