91 - જ્યાં નજર તારી ઢળેલી હોય છે / દિનેશ કાનાણી
જ્યાં નજર તારી ઢળેલી હોય છે,
ત્યાં જ ગુલાબી હવેલી હોય છે !
રોજ રાખે આ ચરણને હાંફતા,
જિંદગી મૃગજળની ડેલી હોય છે !
ભાગ્ય સૌનું નીરખીને જોઈ લે,
એક બાવળ ને ચમેલી હોય છે !
આપણામાં ઝંખનાની દોડતી –
કેટલીયે ખિસકોલી હોય છે !
પાનખરમાં પાંદડાં ખર્યા નથી,
મારી ઇચ્છાઓ ખરેલી હોય છે !
શું કરું તારાં નગરમાં આવીને !
કમનસીબી પાથરેલી હોય છે !
0 comments
Leave comment