95 - મૂળમાંથી ડાળમાં આવી ગયા / દિનેશ કાનાણી


મૂળમાંથી ડાળમાં આવી ગયા
એ બરાબર લાગમાં આવી ગયા

એમ લાગે આ અમાસી રાતમાં
વાદળાઓ ચાંદને ચાવી ગયા

કમનસીબી આ નજરની એ જ છે
ઝાંઝવાંઓ આંખ છલકાવી ગયા

ફૂલ જેવી લાગણીના માણસો
જોયું, તો એ કંટકો વાવી ગયા !

બે ઘડીનો સાથ દઈ ચાલ્યા ગયા
ભાગ્ય મારું એ જ બદલાવી ગયા

કોઈ કોઈનું નથી એવું બધું
કોણ, કોને, ક્યારે સમજાવી ગયા ?


0 comments


Leave comment