61 - અંધારા સામે ઊભા ફાનસ ખંખેરી / અંકિત ત્રિવેદી


અંધારા સામે ઊભા ફાનસ ખંખેરી,
અજવાળાનું જાણે કે સાહસ ખંખેરી.

રસ્તા ઉપર ભાર વગરના, પાર વગરના,
પગલાંઓ હમણાં જ પડ્યાં માણસ ખંખેરી.

એક પછી એક સળીઓ ક્ષણ પર ચાંપી દીધી,
કોણે આ આવી રીતે બાકસ ખંખેરી?

ઊગે છે ને સ્થાપે છે પોતાની મેળે,
રોજ દિવસ પોતાનો એક વારસ ખંખેરી.

કૈંક યુગોથી કક્કામાં થાકેલા અક્ષર,
થઈ ગઝલ લખવાની ત્યાં આળસ ખંખેરી.


0 comments


Leave comment