62 - સપનું ડૂબે આંખમાં થાય પછી જ સવાર / અંકિત ત્રિવેદી


સપનું ડૂબે આંખમાં થાય પછી જ સવાર,
કિરણો લઈને નીકળે સૂરજનો વિસ્તાર.

પ્હોંચાયું છે ક્યાંક તો, ક્યાં એ અધ્યાહાર?
રસ્તો ચાલ્યો તોય હું, ના ચાલ્યોય લગાર.

હળવો થઈને આમ તો ભારે થાતો રોજ,
ઝાકળ જેવો છું છતાં, પર્વત જેવો ભાર.

તમને લાગે માવઠું હોવું આપણ આજ,
અમને લાગે ક્યારનું ચોમાસું ચોધાર.

તારી બાજુ આવતાં મેળાનો ઉલ્લાસ,
મારી બાજુ જામતો ખાલીપો ભેંકાર.

આમ અચાનક આપ જ્યાં, મળવા આવ્યા ત્યાં જ,
રોમેરોમે ઊજવ્યો, અંદરથી તહેવાર.


0 comments


Leave comment