64 - દિવસ ઊગ્યો અહીં એવો કે જાણે રાત ચાલે છે! / અંકિત ત્રિવેદી


દિવસ ઊગ્યો અહીં એવો કે જાણે રાત ચાલે છે!
સૂતા છે શાંત થઈ જખ્મો અને આઘાત ચાલે છે.

પવન ઊડી ગયો છે આંખમાં આંસુ પરોવીને,
નજરનાં દ્વાર પર થીજેલો ઝંઝાવાત ચાલે છે.

તમે જે પ્રેમથી બોલ્યા એ ઝિલાયું નહીં અહીંયાં,
જુઓને ખીણમાં પડઘાના પ્રત્યાઘાત ચાલે છે.

ટકે છે શું? અને કેવું? એ પ્રશ્નો સાવ જૂના છે,
નવું આવે અને આવીને રાતોરાત ચાલે છે.

હવે કોને જઈ કહેવું કે ખુશબૂ મ્યાનમાં રાખે?
બગીચો સાવ સુક્કો છે ને સુક્કી ઘાત ચાલ છે.
મનહર મોદીને સલામ...!


0 comments


Leave comment