66 - જુદી રીતે રહી અદૃશ્ય બંધાયો હજીરો છે / અંકિત ત્રિવેદી


જુદી રીતે રહી અદૃશ્ય બંધાયો હજીરો છે,
સમય બગડેલી રૈયતનો જ બગડેલો નબીરો છે.

મને મળતો નથી એમાં નસીબ એનું નથી સારું,
ખુદાના હાથમાં પણ સાવ નક્કામી લકીરો છે.

રહે છે આંખમાં ક્યારેક તો ક્યારેક આંસુમાં,
અરે! સપનાંઓ બીજું કંઈ નથી ઊડતા ફકીરો છે.

મને સ્પર્શે છે એ પહેલાં પછીથી ન્હોર મારે છે,
મને સંભળાય છે તેવા અવાજોને શરીરો છે.

ખરેખર ઓળખે છે જેમને તે હું નહીં હોઉં,
મને જાણી જવાની આ કળામાં તું અધીરો છે.


0 comments


Leave comment