69 - કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો / અંકિત ત્રિવેદી


કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો,
અજવાશના ખિસ્સા મહીં અંધારપટ હતો.

એના સુધી પહોંચતાંમાં રાત થઈ ગઈ,
પડછાયો નહિ તો મારાથી ખૂબ જ નિકટ હતો.

ઘૂમી રહ્યો છે શહેરમાં કોઈ ફકીર જેમ,
જાણે પવન એકાદ તારી ઊડતી લટ હતો.

કોઈ બખૂબી સાચવે છે રણની આબરૂ,
ભીનાશ જેવું ક્યાં હતું ને તોયે તટ હતો!

તારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,
દર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો?

પ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,
રસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.


0 comments


Leave comment