71 - અજવાળાની અંધારાની બ્હાર ઊભો છું / અંકિત ત્રિવેદી


અજવાળાની અંધારાની બ્હાર ઊભો છું,
ઝાંખાપાંખા અણસારાની બ્હાર ઊભો છું.

બંધ આંખમાં લીન થયો છું સપનું જોતાં,
આખેઆખા જન્મારાની બ્હાર ઊભો છું.

દૃશ્યોના રંગોને ઊંચકી થાક્યો તેથી,
પોચા પોચા પલકારાની બ્હાર ઊભો છુંદ્ભ.

મહેફિલમાં એ આવ્યા તો પણ રાહ જોઉં છું.
કોણ કહે છે ભણકારાની બ્હાર ઊભો છું?

અંત સુધી હું સૌની સાથે તોય એકલો,
આ તે કેવા સથવારાની બ્હાર ઊભો છું!


0 comments


Leave comment