72 - મણકો હું, પણ હું માળાની બ્હાર ઊભો છું / અંકિત ત્રિવેદી


મણકો હું, પણ હું માળાની બ્હાર ઊભો છું,
સાચ્ચું કહું તો સરવાળાની બ્હાર ઊભો છું.

સાંજ કનેથી રંગ ઉછીના લઈને જીવ્યો,
અંધારાની, અજવાળાની બ્હાર ઊભો છું.

ડાળી ઉપર ફૂલ ખીલ્યાનો અર્થ એટલો,
પાનખરોના વચગાળાની બ્હાર ઊભો છું.

બે પંખીના સૂના ઘરનો કોલાહલ છું,
ટહુકો ક્યાં છું? ક્યાં માળાની બ્હાર ઊભો છું.

ભીડ વચોવચ સૌની સાથે હળીમળીને,
ઊભો છું પણ કુંડાળાની બ્હાર ઊભો છું.


0 comments


Leave comment