3.22 - શાન્તારામને /મારી હકીકત / કવિ નર્મદ


સુરત આમલીરાન તા. ૧૬ માર્ચ ૧૮૬૯.
સ્નેહી શ્રી ભાઈ શાન્તારામ,

ઘણે દિવસે મળવું થતું હોય અથવા પત્ર લખવાનો વ્યવહાર ન હોય તેવી સ્થિતિમાં મેળાપ વેળા અથવા પત્ર લખવી વેળા થોડોક પણ સંકોચ રહે છે-એ રીતે હું તમને આજ લખતાં સંકોચાઊં છઊં. વધારે આટલા માટે કે મારે તમારો ઉપકાર લેવાનો છે. તોપણ પાછું આમ છે કે મારે ને તમારે મૈત્રિનો હક્ક બજાવવો છે ને સંકટમાં આવી પડેલા મિત્રને ઉગારવો છે માટે હું સંકોચને દૂર કરી લખું છઉં કે-

આ પત્રના લાવનાર લાલાભાઈ (જો કે ધર્મ આચાર સંબંધી એઓનું મત આપણા મતને મળતું નથી તો પણ) પોતાના સુધા સ્વભાવથી, કુલિનપણાથી ને સદ્ગુણથી વળી મારી સાથે પડેલા ઘણા વરસના પ્રસંગથી મારા મિત્ર થઈ રહ્યા છે. એઓના ઉપર સરકારે કેટલોક આરોપ મૂક્યો છે. એમાંથી મુક્ત થવાને તેઓ તમારી તરફ આવે છે. એઓને મુંબઈમાં કોઈ સાથે પ્રસંગ નથી એ માટે મારા તે તમારા છે એમ અંત: કરણથી માની તમે તમારી પોતાની તરફથી ને તમારા બિજા મિત્રોની તરફથી એઓને માટે બનતી તજવીજ જરૂર કરશો.

લી. તમારી આનંદમૂર્તિનો દર્શનાભિલાષી.
નર્મદાશંકર.


0 comments


Leave comment