21 - પ્રકરણ – ૨૧ / સમયદ્વીપ / ભગવતીકુમાર શર્મા


    ઘર અને મંદિર વચ્ચે માત્ર એક વાડાનું જ અંતર હતું. વાડામાં એક તરફ રસોડામાં ધુમાડાથી કાળી પડી ગયેલી, ભાંગેલી ઇંટોવાળી દીવાલ પડતી હતી, જેની ધારે ધારે આડાઅવળા ઊગી નીકળેલા થોડાક છોડનાં પાંદડાં ધૂળથી મેલાં પડી ગયાં હતાં, એની આસપાસ મચ્છરો બણબણતા હતા. જમણી તરફની ગમાણમાંથી સતત ગાયના છાણની વાસ આવ્યા કરતી હતી ને એ ગામડાના જ એક ભાગ જેવી ઓરડીમાં વધી ગયેલી દાઢી અને મેલાંદાટ કપડાં, જેમતેમ વીટાળીને મોટા ભાઈ ચન્દ્રશંકર પુરોહિત રહેતા, પાસે પિત્તળનો એકાદ ઓઘરાળો પ્યાલો, બીડીઓની એક ઝૂડી, ક્યારેક ગાંજાની ચલમ અને દિવાસળીની એક પેટી પડ્યાં હોય. વાળો પૂરો થતાં જ મંદિરનું પ્રાંગણ શરૂ થઈ જતું. આરસનો ઠેકઠેકાણેથી તૂટી ગયેલો ચોક, ઓટલા પર દાતાઓનાં નામની ઝાંખી પડી ગયેલી. તકતી, જમણી તરફ બીલીનું જૂનું વૃક્ષ, આકડો અને કરેણનાં ઝાડ; તેનાથી થોડાક અંતરે, સવારના તડકામાં આછું ચમકતા એનાં પાંદડાં; સફેદ અને પીળાં ફૂલની એક અસંબદ્ધ ડિઝાઈન, ચોક પૂરો થતાં જ લાંબાં, પહોળાં પગથિયાં, એ પછી દરવાજો, દ્વાર-પાળની ઘાટ વિનાની પ્રતિમા, જમણી તરફ ગણપતિ અને ડાબી તરફ હનુમાનના ગોખલા, દ્વારની ઊંચી બારસાખ પર પિત્તળનો ઘંટ, દરવાજામાં પ્રવેશ કર્યા પછી આરસનો પોઠિયો, મંદિરમાં છત પર ટાંગેલી ધૂળ બાઝેલી હાંડીઓ અને પિત્તળની નાનીમોટી ઘંટડીઓ, અંદર ઠંડક અને અંધકારનો એકસામટો અનુભવ, એક ખૂણામાં જૂનું, કાળું પડી ગયેલું, ફાટેલું નગારું, અંદર ગર્ભદ્વાર અને એમાં ઘેરા અંધકારમાં એક કૂંડી જેવું, એમાં વિરક્તેશ્વર મહાદેવનું કાળું મધ્યમ કદનું લિંગ, એના ઉપર સતત લટકતી જળાધારી, એમાંથી ટપકતું પાણી, શિવલિંગ પર ચંદનની અર્ચા અને બીલીપત્રો તથા ફૂલનો નાનકડો પુંજ, કમ્મર સુધી પહોંચતી પિત્તળની બે દીવીઓમાં ટમટમતા, થિરકતા દીપકો, કોહી ગયેલાં ફૂલ અને સળગતી ધૂપસળીની મિશ્ર વાસ, લિંગ ઉપર રુદ્રાક્ષના મણકાવાળું ચાંદીનું છત્ર, ગર્ભાગારમાં પાછલી દીવાલમાંના ગોખલામાં પાર્વતીની મૂર્તિ. અંધકારમાં યે એનાં આભૂષણો ચમકયાં કરે, એ સાંકડા સ્થળમાં શબ્દોનો એકધારો પડઘો પડતા રહે – ધ્વનિ અને પ્રતિધ્વનિ.

    નીરા મંદિરના પ્રાંગણમાં આવીને થંભી ગઈ. તેણે ઊંચે જોયું. જીર્ણ થવા આવેલા મંદિરના શિખર પરની ફટકી ગયેલા રંગવાળી ભગવી ધજા ચડતી વસંતની સવારે હવામાં ફરફરતી હતી, વર્ષો પછી પોતે પહેલી જ વાર કોઈક મંદિરમાં પ્રવેશી રહી હતી, નહિ ? નીરાને વિચાર આવ્યો, છેલ્લે કયારે, કયા મંદિરમાં ગઈ હતી તે યાદ નહોતું આવતું. હા, એક વાર પેલી ક્રિશ્ચિયન મિત્ર મારિયા જોનાથન સાથે એના ચર્ચમાં ગઈ હતી અને ચર્ચની શાંતિ અને સુઘડતા પોતાને સ્પર્શી ગઈ હતી. પણ મંદિરની તો કોઈ સ્મૃતિ શેષ રહી ન હતી, કયારેક રસ્તે જતાંઆવતાં ભજનોનો શોર, અને ઘંટારવ અને જયનાદો કાને પડ્યા હતા, ધક્કામુક્કી કરતાં સ્ત્રીપુરુષો જોયાં હતાં, પ્રસાદ માટેની ભીડ જોઈને અણગમો અને રમૂજ અનુભવ્યાં હતાં, મંદિરની બહાર રક્તપિત્તિયા ભિખારીઓની હારની હાર બેઠેલી જોઈ હતી... અને આજે આ મંદિરનું સાન્નિધ્ય, નીરાએ મનનાં ઊંડાણમાં ડૂબકી મારવાનો પ્રયત્ન કરી જોયો. કેમ કશું ભાવસ્પંદન નહોતું અનુભવી શકાતું ? કેમ કશી શ્રદ્ધાની લાગણી નહોતી જાગતી ? અહીં પોતે વિધર્મી, વિદેશી હોય એવા, ઇન્ફિરિયોરિટીનો - કશાક guilt ને ભાવ કેમ સ્પર્શી જતો હતો ? દાયકાઓના દાયકાઓથી ઊભેલું આ મંદિર, એમાંની પથ્થર કે ધાતુની મૂર્તિઓ ને એમાં અચળ આસ્થા બાંધીને જીવી ગયેલી, મરણ પામેલી, વળી જીવ્યે જતી પેઢીઓ, એ બધું શું મિથ્યા હતું ? ભ્રમરૂપ હતું ? પણ ધર્મનો આ બાહ્ય, સ્થૂળ પરિવેશ એ પોતે જ એક ભ્રાન્તિ નથી ? પ્રશ્નો ઊઠ્યે ગયા અને એના કોઈ ઉત્તરો સરળતાથી મળતા ન હતા–મળી શકે એમ પણ ક્યાં હતા ? ...નીરા પગથિયાં ચડીને દ્વાર પાસે આવી. હનુમાન અને ગણેશની સિંદૂરિયા મૂર્તિઓ તે શૂન્ય આંખે જોઈ રહી. એમને લગતી પુરાણકથાઓ યાદ કરવાનો તેણે અમસ્તો વ્યર્થ પ્રયત્ન કર્યો. કોઈક કોઈક સ્ત્રીપુરુષો આવ્યે જતાં હતાં- હાથમાં ફળ, ફૂલ, બીલીપત્ર, પાણી કે દૂધ ભરેલી લોટી લઈને, પૈસા મૂકતા હતા, હાથ પ્રણામની મુદ્રા રચતા હતા, કંઠે સ્તોત્રો ગુંજતાં હતાં, આંખે બિડાતી હતી. મંદિરમાં પ્રવેશતી વખતે લોકો દરવાજાના ઉબરની અને પથ્થરના પોઠિયાની પૂંછડીની યે આશકા લેતા હતા. નીરાને પોતાનું ગળું સુકાતું અને શ્વાસોમાં રુંધન. દ્વાર વટાવીને તે અંદર પ્રવેશી, તેને શરીરે ઠંડકનો અનુભવ થયો. તેણે તેની તેરિકોટનની સાડી અંગો ફરતી કસી લીધી. માથું ખુલ્લું જ હતું. બોબ્ડ વાળ આછા આછા ફરફરી જતા હતા. અર્ધઉજાસમાં તેણે આસપાસ જોવાનો પ્રયત્ન કર્યો. ગર્ભગૃહમાં શિવશંકર માત્ર એક પીતાંબર પહેરીને બેઠા હતા. એમની એક તરફ મહેશભાઈ કોરું ધોતિયું અને ખેસ ઓઢીને આરતી સળગાવવાની મથામણમાં ગૂંથાયા હતા, અને બીજી તરફ – કોણ હતું એ ? નીલકંઠ ! હા, એ જ; ન ઓળખી શકાય એવા વેશમાં – અંગ્રેજોની દૃષ્ટિએ Half-nacked. એણે શિવશંકરની જેમ એક જૂનું, મેલું અબોટિયું પહેર્યું હતું. એના ખુલ્લા ખભા પર કોણ જાણે ક્યાંથી જનોઈ આવી ગયું હતું ! એણે કપાળ પર ભસ્મ અને ચંદનનો લેપ કર્યો હતો. નીરાએ આંખો ખેંચી. તેને એક કસક સાથે એવો તીવ્ર ખ્યાલ આવ્યો કે જે નીલકંઠને – નીલને એ એળખતી હતી એ નીલ અચાનક લુપ્ત થઈ ગયો હતો - ચુસ્ત પેન્ટ, પેઈન્ટેડ શૂઝ, કાબરચીતરું બુશશર્ટ, બીટલ ટાઈપના વાળ, લાંબા થોભિયા, હાથમાં જલતી સિગારેટ, ગેલોર્ડ કે ઉજાલા કે નટરાજમાં એસ્પ્રેસો કૉફી પીતો, બિરિયાની કે એગ-કરી ખાતો, સાર્ત્ર, નિત્શે, કામુ અને ફ્રોઈડની ચર્ચા કરતો, ઈટાલિયન, ચેકોસ્લેવાક કે જપાનીસ ફિલ્મોની આર્ટસેન્સની સમીક્ષા કરતો. નીલ આ ધૂળિયા ગામડાના જીર્ણ મંદિરના અંધકારસભર ગર્ભાગારમાં ઓગળી ગયો હતો, પેલા બીલીવૃક્ષનાં પ્લાન પાંદડાંઓમાં કીડીની હારમાં જોડાઈને ફરતો હતો, પથ્થરના પોઠિયા પર માખી બની બણબણતો હતો, પિત્તળનો જડ ઘંટ બની રણક્યા કરતો હતો, જળાધરીમાંથી બુંદેબુંદે ટપકતો હતો, ધૂપસળીની અસ્તવ્યસ્ત ધૂમ્રસેરોમાં ગૂંચવાઈ જતો હતો....
(ક્રમશ:....)


0 comments


Leave comment