3 - ક્યાં જાય છે, કાનજી ? / જનક ત્રિવેદી


   ‘એલા, તારું નામ શું ?’ – બહારથી અવાજ આવ્યો. સાંધાવાળા નવરા પડ્યા હતા તે બહાર હવા ખાતા બાંકડે બેઠા હતા. તેમાંથી એક કોઈની પૂછપરછ કરતો હતો. અપ-પેસેન્જર ટ્રેન આગલા સ્ટેશને પહોંચી ગઈ હતી. તેનો એરાઇવલ લઈ, બ્લોક નોરમલ કરી સ્ટેશન માસ્તર કંઈક વાંચતો હતો. બેસતા ઉનાળે આજે વાદળ ઘેરાઈ આવ્યાં હતાં. હવામાં તાજગીભરી ઠંડક વરતાતી હતી. પેસેન્જર ક્યારનાંય ગામમાં પહોંચી ગયાં હતાં. પ્લેટફોર્મ સાવ નિર્જન હતું. તો પછી આ કોની ઇન્કવાયરી ચાલી રહી છે ? સ્ટેશન માસ્તરે વિચાર્યું. એનો સાહિત્યકાર જીવ કાવ્યસંગ્રહનાં પાનાં વચ્ચે દબાઈ ગયો અને સ્ટેશન માસ્તરનો સંશયાત્મા કૂદી પડ્યો, - ચાલ જોઉ, કોણ છે ? કાવ્યસંગ્રહ ટેબલ ઉપર ફેંકી સફેદ કુરતામાં હાથ રાખી સ્ટેશન માસ્તર બહાર નીકળ્યો. રુઆબ છાંટવાની એકાદેય તક હોય તો ઝડપી લેવા. પરંતુ ત્યાં અપેક્ષાકૃત વાતાવરણ ઠંડું હતું. બાંકડાના હાથના ટેકે એક કૃશકાય છોકરો ટૂંટિયું વાળી બેઠો હતો. સાંધાવાળો અમુ છોકરાના ખભે હાથ રાખી પૂછી રહ્યો હતો, - એલા, તારું નામ શું છે ?
  કાનજી દેવજી, - છોકરો પોતાના નામ સાથે બાપનું નામ બોલ્યો.
  ક્યાંથી આવ્યો ?
  ગઈ ઈ ગાડીમાં, રાણાવાવથી.
  રાણાવાવમાં કોણ છે તારું ?
  મારો કાકો.
  તારું ઘર ?
  વડવાળા... રાણાવાવની પડખે.
  તારો બાપ શું કરે છે ?
   મજૂરી. - છોકરો ક્ષીણ સ્વરે સ્પષ્ટ જવાબ વાળતો હતો. ગામડાનો હતો. બેઠક અમે ગોઠણેથી ફાટેલુંજૂનું ક્રીમ કલરનું પેન્ટ, ને ઉપર બે કલરનો, ઠેરઠેરથી ફાટેલો ને ઉતરડાયેલો એવો જ જૂનો બુશકોટ એણે પહેર્યો હતો. સાંકડાં પાયચાં અને બાંયો પહોળા પડે તેવા દુર્બળ હાથ-પગ, માથે ચપોચપ બેઠેલા સાવ ટૂંકા વાળ, ઉપરથી માથાની પહોળાઈ વધારે અને હડપચી સુધી પહોંચતા બિલકુલ અણિયારો બની જતો શ્યામવર્ણો ચહેરો. બારેક વરસનાં અતિકૃશ શરીર ઉપર ક્યાંય બાલ્યવય કળાતી નહોતી. એનાં સમગ્ર વ્યક્તિત્વનું એકમાત્ર આકર્ષક અંગ તેની ખાડામાં ઊંડી ઊતરી ગયેલી મોટી પીળી પડેલી આંખો. ઉદાસ આંખોમાં બાર વરસની વયે હોવી ઘટતી ધવલતા ગાયબ હતી. જવાબ વાળતી વેળા જ ઊંચકાતી એકધારું તાકી રહેલી આંખોમાં ભય, ત્રાસ અને પીડાનો ઓથાર ડોકાતો હતો. સ્ટેશન માસ્તરને ખાસ રસ તેવું નહોતું. કવિતાના પુસ્તકમાંથી કશુંક સરી પડ્યું હતું. એણે છોકરાને પૂછયું, ઘરેથી શું કામ ભાગી આવ્યો ?
  કાકાએ માર્યો એટલે.
  હોય એ તો, મોટેરાં ક્યારેક મારેય ખરાં !?
  એક દિર્ન, સાહેબ, રોજ મારતો. આડું વાળીન જોવે જ નૈં !
  તારો કંઈક વાંક હશે ને... કે અમસ્તો જ....?
  ભણવા જાવાનું નામ લઉં ને ઢોરમાર મારે...જી હોય ઈનાથી રાંપલવા જ મંડે... આધું પાછું જોવે જ નો.

  શું ભણતો હતો ?
  પાંચમું. મારી દાદી કેતી'તી, મારા જનમ પછી જોવરાવ્યું'તું. જોશીએ કીધું, છોકરાનાં નસીબમાં વિદ્યા ઝાઝી છે, ભણાવજો. મારી દીદી કતી'તી. એટલે મને ભણવાનું ગમે. પણ કાકાને મજૂરીએ જાઉં તો ગમે. તો એને ગમે તે કરવું હતું, એને રાજી રાખવા.

  કરતો’તો. ભણવું'તું તે એમેય કરતો‘તો... ખાણ્યુંમાં પાણા ભેળા કરવા જાતો’તો ચૂનાના ભટ્ઠે મજૂરીએ જાતો, કોકનાં ઢોર ચરાવવા જાતો, ને મજૂરીનાં કાવડિયાં કાકા-કાકીને દઈ દેતો. તોય માર તો રોજ ખાવાનો જ.
  કેટલા દિ’ પહેલાં ભાગ્યો ઘરેથી ?
  ત્રણ દિ’થી.
  ખાધું નથી.
  કોઈની પાસે માગી લેવું'તું... કોઈ ના ન પાડે.
  ના.... માગું નૈં... ઈનાં કરતાં.... આાંખમાં ભરાઈ આવેલાં ઝળઝળિયાં છોકરાએ સંકોરી લીધાં.
   અમુએ હાથ પકડી છોકરાને ઊભો કર્યો, -લે હાલ્ય, રોટલા ખાઈ લઇ. છોકરાએ ના પાડી. ‘ખાવા ઉપર ખીજ નોં ઉતારીએ, પેલાં ખાઈપીને ટાશકા જેવો થૈ જા ને ઝટ મોટો થઈ પછે ઈ હંધાટનો વારો કાઢશે... – લે – હાલ્ય’. - ટીખળી અમુ કાનજીનો હાથ ઝાલી ચાલતો થયો. સ્ટેશન માસ્તર ટિકિટ વેચાણનો હિસાબ કરવા બેઠો. હિસાબના આંકડાઓની સમાંતરે એના ચિત્તમાં કાનજીના વિચાર ચાલતા રહ્યા.

  બે ગુડઝ ટ્રેનનું ક્રોસિંગ, પછી ડાઉન એક્સપ્રેસની લાઇન ક્લિયર, પેસેન્જરભૂકિંગ, સિગ્નલ, પાર્સલ, ગાર્ડ પાસેથી એરાઇવલ સર્ટિફિકેટ લીધું ? ઇન્વર્ડ ટેબ્લેટ ક્યાં ? બ્રેકમાંથી ટિફિન ઉતાર્યું?... હલ્લો, વાંસ જાળિયા સ્પીકિંગ. થર્ટી સિક્સ કીર્તિ એક્સપ્રેસ.... એરાઇવલ ટ્રેવેલ થર્ટી ટૂ... ડિપાર્ચર... ધમાલમાં કાનજી વીસરાઈ ગયો.

   જમતાં જમતાં સ્ટેશન માસ્તરને ત્રણ દિવસની ભૂખની કલ્પના કંપાવી ગઈ. બહાર બાંકડા ઉપર અમુએ કાનજી સાથે બેઠક જમાવી હતી. કાનજીના સૂકા હોઠ હવે ભીના દેખાતા હતા. સ્ટેશન માસ્તરને પોતાનામાં બે જણ જીવી રહ્યાનું લાગ્યું. નકાબી સ્ટેશન માસ્તર ઊંઘે ઘેરાયો, પણ બીજાએ એને બહાર ધકેલ્યો. પૃચ્છાનો બીજો દોર શરૂ થયો.
  કાકા મારે તો તારા બાપુ એને રોકે નહીં ?
  હું કાકા ભેળો રઉં છું. મારા બાપા ભેગો નહીં.
  બાપા સાથે કેમ નહીં ?
  બાપાએ તગડી મેલ્યો. ઈ તો મને લાકડીએ લાકડીએ મારતા.
  કેમ ?
  નવી બાયડી કરી એટલે.

  એટલે કે... તારી નવી મા, ખરું ? તો પછી તારી સગી મા....?
  મારા બાપે કાઢી મૂકી. દાદી કેતી'તી, હું વરસ દિ'નો થયો ત્યારે મારા બાપે મારી માને ઘરમાંથી તગડી મૂકી'તી.
  તને સાથે કેમ લેતી ગઈ નહીં ?
  મારી દાદી કેતી'તી, મારી મા બૌ રોઈતી. પગ પકડીને કેટલુંય કરગરી’તી કે, ભલે મને કાઢી મૂકો, પણ મારો દીકરો મને લઈ જાવા દ્યો. પણ મારા બાપે મારી માને સાવ ખાલી હાથે કાઢી મેલી'તી.

  તને કોણે રાખ્યો, ઉછેર્યો ?
  દાદીએ... નવી મા આવી છે. દાદી મારા કાકા ભેળી રેવા વઈ ગઈ.
  ત્યારે તું કેવડો હતો, યાદ છે ?
  દાદી કેતો'તી, હું તયે ત્રણેક વરસનો હતો.
  તારી નવી મા કેવી હતી ?

  ઈ તો મારા બાપ ને કાકા કરતાંય એન મારતી. ઈ મારતી તંયે મને રોવું આવતું નૈં, પણ બાપ મારતો તે દિ રુંગાં આવતાં, ને રાત આખી ગોદડીમાં મોઢું ઘાલી રોયા કરતો. હીબકાંય ભરાય નહીં.
  ત્યારે તને તારી મા યાદ આવતી હશે, ખરું ?
  મારી મા મેં ક્યાં જોઈ છે, સાહેબ ! હું તો વરસનો હતો, ને...!
   સ્ટેશન માસ્તર પોતાના પ્રશ્નથી આંચકો ખાઈ ગયો. એણે પોતાની ભૂલ સુધારવા પ્રયાસ કર્યો.... તારી સાચી મા તને વહાલી લાગે... ?

   વહાલી એટલે ? - કાનજીએ પ્રથમ વાર પ્રતિપ્રશ્ન કર્યો. સ્ટેશન માસ્તરે અમુ સામે જોયું. અમુ સ્ટેશન માસ્તર સામે જોઈ રહ્યો. અમુની આંખોમાં ઉત્તર નહોતો. ઉત્તર તો એની પાસે પણ નહોતો. એ મનમાં ડૂબકી મારી ગયો. કાનજીનો સવાલ ત્યાંથી પણ અનુત્તર રહ્યો. સવાલ જટિલ હતો. જે બાળકને માનું વહાલ શું ચીજ છે તેની ખબર નથી એને વહાલનો અર્થ કઈ રીતે સમજાવવો, એને વહાલનો સાક્ષાત્કાર કઈ રીતે કરાવવો એની મૂંઝવણમાં એ પડી ગયો. માતૃવાત્સલ્યનો અનુભવ કરાવવા શબ્દો કઈ રીતે શક્તિમાન હોઈ શકે ! એને શબ્દો ક્યારેય આટલા પાંગળા લાગ્યા નહોતા. છતાં કંઈક જવાબ તો આપવાનો હતો એટલે એણે કહ્યું; વહાલ કરે તે.

   વહાલ કરે એટલે શું, સાહેબ ? - કાનજીએ ફરી પૂછ્યું.
   ફરી બીજો અતિ કઠિન ઉત્તર વાળવાની મૂંઝવણે સ્ટેશન માસ્તરને ઘેરી લીધો. સાહિત્યકાર જીવ ઉત્તર શોધવા ફાંફાં મારવા લાગ્યો. માતાની કઈ કઈ લાગણી - પ્રવૃત્તિને શબ્દબદ્ધ કરી આ છોકરાને માનાં વહાલનો અહેસાસ કરાવવો. રાતોના ઉજાગરા વેઠી ભીની ગોદડીઓ બદલાવતી, પડખાંમાં બાળક જરા સરખુંય સળવળતાં ભરનિદ્રામાંથી ઝબકીને જાગી જતી. ઊંઘમાં પણ ઘોડિયાની દોરી હલાવતી, સંતાનના સ્વાસ્ય્મ સારુ જીભના સઘળા સ્વાદ ત્યજતી, દિવસભરના થાક પછી પણ હળવા કંઠે હાલરડાં ગાતી, પુત્રના માથે મમતાપૂર્વક હાથ ફેરવતાં અને માથાને ચૂમી લેતાં જિદગીનાં સમગ્ર દુ:ખ વીસરી જતી અને તેમાં જ જિદગીનું સાર્થક્ય સમજતી, દીકરીના નામે આખું આયખું વ્યતીત કરતી માતાની કઈ કઈ લાગણીઓ, ભાવનાઓ અને માયા-મમતાની કેટકેટલી વાતો કરીને સમજાવવો કે, જો, આને ‘વહાલ’ કહેવાય ! - સાહિત્યકારને શબ્દો ફરી અપાહીજ લાગ્યા. એ કંઈક શોધતો હતો. શું, તે જાણતો નહોતો.

   સ્ટેશન માસ્તરને થયું. પેલા છોકરાની જેમ આ છોકરો બનાવટ ઓ નહીં કરતો હોય ! રિલીવિગ સ્ટેશન માસ્તરને અનેક સ્ટેશનો અને ભાતભાતનાં માણસોનો ઉતારો પડતો હોય છે. આશરી વિનાના અને ભાગેલાઓનો આશરો રેલવે સ્ટેશન, ખાનદાન ઘરનો એક આવડો જ છોકરો એક સ્ટેશને પકડાયો હતો. એ પૂછપરછની પકડમાંથી છટકવા પૂછનારની હમદર્દી મેળવવા પોતાના વિશે જાતજાતની કરુણ વાર્તાઓ ઘડી કાઢતો, તે યાદ આવ્યું. સ્ટેશન માસ્તરને ખ્યાલ આવ્યો કે પોતે કાનજીના પ્રશ્નનો પ્રત્યુત્તર ટાળવાનું બહાનું શોધતો હતો. એ જ એક ઉકેલ હતો પૂછપરછની દિશા બદલાણી, કહ્યું; અલ્યા, તું ખોટું બોલતો લાગે છે. કોઈ અમસ્તું મારે નહીં. તારામાં અપલખણ હોવાં જોઈએ. - પછી સાંધાવાળા અમુ સામે જોઈ બોલ્યો : કેમ અમુ, કોઈ બાઈમાણસ આટલું હૈયા વિનાનું હોઈ શકે ?

   એનું કાંઈ કહેવાય નહીં, સાહેબ ! - અમુએ જમાનાના રંગ જોયા હતા. સ્ટેશન માસ્તરે કાનજી સામે જોયું. કાનજી એને તાકી રહ્યો હતો. હોઠ ખુલ્લા હતા અને આંખોમાં અવિશ્વાસ.
  ના.... સાહેબ, મેં ક્યારેય તોફાન કર્યા નથી. તો મારે શા માટે ?
  ઢોર ચારવાના પૈસા આપતો, તો ક્યે મજૂરીએ જા, ઢોર ચાર્યે શું દિ” વળે.
  તો મજૂરીએ જવું'તું. - સ્ટેશન માસ્તરે કહ્યું. પછી કાનજીનો દુર્બળ દેહ જોયો. મારે ભણવુંતું, સાહેબ... મારી દાદી...
  ભણવું હોય તો થોડું સહન કરીને રહેવું પડે. -
  અમુએ કહ્યું, - હોય ઈ તો, કોક દિ ઠોંટ-ટાપલી કરી લ્યે.

  ઠોંટ-ટાપલી તો ખમી લેતો, પણ બાંધે તંયે ખમાતું નૈં. ભણવા જાવાનું નામ લઉં ને લાકડીએ-લાકડીએ ઝૂડી નાખે. મારતાં નો ધરાય પછી થાંભલી હારે કાથીની દોરીએ કચકચાવીને હાથપગ બાંધે, મન થાય તંયે મારે. કાથીના કાંટા બૌ વાગે, ચામડી છોલાઈ જાય, લોઈ નીકળે, માખીયું ચોટે, કાળી બળતરા હાલે... નો ખમાય, બાપુ ! સાણશીથી સાથળમાં ચોંટિયા ભરે, પગના નળા ઉપર વૈણાં મારે. બોલતાં બોલતાં કાનજી હાંફી ગયો. એની આંખોમાં આતંક તાજો થયો. યાતનાનાં મોજાં ઊછળ્યાં, ઈ બધુંય ભૂખ્યા પેટે તૈણચાર દિ કેમ વેઠાય, સાહેબ ! - કાનજીની આંખો ચૂઈ પડવી જોઈતી હતી, પરંતુ સૂકી રહી.

  એટલે કે ત્રણ-ચાર દિવસ સુધી તને ભૂખ્યા પેટે બાંધી રાખે... ?!
  હા.. ને મારતી જાય. જરાક હલું તો પાકેલા ઘામાં કાથીની અણીયું ખૂંતે ને પરુ નીકળે... માખીયું ડંખે. પણ રોવાય નહીં.
  તારો બાપ છોડાવે નહી ?
  ઈય સાંજુકના દારૂ પીને મારતો.
    સાહિત્યકારનું હૃદય દ્રવી ઊઠયું. પરંતુ સ્ટેશન માસ્તરને કાનજીની વાતમાં હજી પણ પેલી બનાવટની ગંધ આવતી હતી. એણે કહ્યું; અમુ, આ છોકરો ખોટું બોલે છે, અને પોલીસને સોંપી દેવો પડશે.

   હું ખોટું બોલું છું, સાહેબ ! હું ખોટાબોલો નથી, સાહેબ... આમ જોવો... આા... આ... : કાનજી પાટલૂનનાં બન્ને પાયચાં ઊંચા કરી બોલ્યો; આમ જોવો... આ.... ! - પગનાં બન્ને કાંડાં ફરતે રુઝાઈ ગયેલા ઝખમનાં સફેદ, ઊંડાં નિશાન દેખાયાં. પછી હાથનાં કાંડાં દેખાડતાં કાનજીએ કહ્યું; ... આમ જોવો, સાહેબ... આ જોવો ! હું ખોટું બોલું છું... ? હાથનાં કાંડાં ઉપર પણ ચામડી તણાઈ ગયેલા ઘાનાં શુષ્ક સફેદ નિશાન મોજૂદ હતાં. હૈયામાં હાહાકાર ઊઠે તેવી સાબિતી પ્રત્યક્ષ હતી. દલીલો અને શંકાઓ નિર્મૂળ હોવાના પુરાવા સામે જ હતા, અરેરાટી વછુટે તેવા. સ્ટેશન માસ્તર તથા અમુને વિક્ષુબ્ધાવસ્થા ઘેરી વળી. સ્ટેશન માસ્તરથી બોલાઈ જવાયું... અરે, કોઈ સ્ત્રી આ હદે ક્રૂર બની શકે !! અમુ નિરુત્તર રહ્યો. કાનજીની આંખોમાં વર્ષો પૂર્વે સુકાઈને રણ બની ગયેલો દરિયો ઊછળતો હતો.

  કાનજી હવે ક્યારેય રડી શકશે નહીં, - સ્ટેશન માસ્તરે વિચાર્યું. કોઈને મૌન ખંડિત કરવાનું મન થયું નહીં. ચિત્તનો ખળભળાટ શમ્યા પછી સ્ટેશન માસ્તરે પૂછ્યું; - હવે તારે ક્યાં જવું છે ?
  મારી મા પાંહે.
  તારી મા ક્યાં રહે છે, ખબર છે ?
  ના.
  તું કેવી રીતે પહોંચીશ તારી મા પાસે ?
  ખબર નથી.
  તો પછી તારા મામા પાસે જા, એને ખબર હશે, ક્યાં રહે છે તારા મામા ?
  ગોપ મોટા... મારી દાદી કેતી'તી.
  શું નામ તારા મામાનું ?
  ખબર નથી.
  તારી માનું નામ ?
  ખબર નથી... દાદી કેતી'તી, બૌ નમણી હતી, પાથર કુટુમ્બની દીકરી.

  તારા મામા સાથે રહેતી હશે, ત્યાં પહોંચી જા.
  ના... ન્યાં નથી રેતી. મારી દાદી કેતી'તી, મારી માએ બીજું ઘર માંડ્યું છે. એને બે દીકરીયું છે.
  કયા ગામ ?
  ખબર નથી.
  તારી પાસે ‘મા’ સિવાયનું કોઈ ચોક્કસ ઠામઠેકાણું તો છે નહીં, પછી તું કોને પૂછીશ કે, ક્યાં છે મારી મા ?!
  ખબર નથી.

  તારી મા તને રાખશે ?
  કોણ જાણે ! પણ મારી દાદી કેતી’તી મારી મા બૌ સારી હતી.
  માની લે, કે તારી મા તને મળી જાય, ને તને રાખવા તૈયાર થાય. પણ તારો નવો બાપ તને રાખશે ?
  મને શું ખબર ?
  તારી મા મળી જાય તો તું તેને કઈ રીતે ઓળખીશ ?
  ઓળખી જઈશ.
  પણ તેં એને જોઈ તો નથી, પછી ?
  તોય ઓળખી જઈશ.
  પણ, તારી મા તને નહીં ઓળખે તો ?!
   મને ખબર છે, ઓળખી જાશે. - કોણ જાણે કઈ શ્રદ્ધાના બળે કાનજી બોલ્યો. નથી તેં તારી માને જોઈ, નથી જાણતો તું તારી માનું ઠામ, તને રાખશે કે નહીં તેની પણ તને ખબર નથી. નહીં રાખે તો શું કરીશ, ક્યાં જઈશ એની તને કંઈ જ ખબર નથી. માને ગોતવા તું ક્યાં ક્યાં ફાંફાં મારતો રહીશ ? એ કરતાં તું તારા ઘરે પાછો જા. સ્ટેશન માસ્તરે છોકરાની શ્રદ્ધા અને મનોબળ ચકાસવા પ્રયત્ન કર્યો.

   છોકરાના હાડપિંજર સરખા દેહમાં સંચાર થયો. એ આસ્તે આસ્તે ટટ્ટાર બેઠો. એની નાનકડી આંગળીઓ બાંકડાના હાથા ઉપર કસાણી. એણે આંખો સીધી સ્ટેશન માસ્તર સામે નોંધી. એની આંખોમાં ક્ષણભર ત્રાસજનક સમૃતિઓનો ઘટાટોપ ઊમટયો. પછી આક્રોશ અને બળવાનો રંગ ઊપસ્યો. પછી વીરડામાં પાણીની ડહોળાશ આછારતી હોય તેમ આવેશ આછર્યો. પછી એણે દૃષ્ટિ ફેરવી આકાશ જ્યાં ક્ષિતિજને મળતું હતું ત્યાં ગોઠવી. પછી એ શાંત, ધીમા મક્કમ સ્વરે બબડ્યો; ..... ના.... પણ... એને હું ગોતવાનો.
૧૦-૭-૧૯૮૩
વાંસજાળિયા, રેલવે સ્ટેશન


0 comments


Leave comment