6 - ભાગ – ૬ / એન્જોયગ્રાફી / રતિલાલ બોરીસાગર


   એક મહિનો દવા ખાધી; કડક પરેજી પાળી છતાં મારો છાતીનો દુખાવો ચાલુ રહ્યો એટલે મેં ફરી ડૉક્ટરનો સંપર્ક સાધ્યો.

   “આટલાં વર્ષોમાં મેં હૃદયરોગના ઘણા દર્દીઓની સારવાર કરી છે, પણ તમારા જેવો કેસ આ પહેલાં ક્યારેય આવ્યો નથી. આરામ કરતા હો ત્યારેય દુખે ને આરામ ન કરતા હો ત્યારેય એવું ને એટલું જ દુખે એવું ભાગ્યે જ બનતું હોય છે.” મેં જોયું કે મારો છાતીનો દુખાવો ડૉક્ટર માટે માથાનો દુખાવો બની રહ્યો હતો. મારા કેસમાંથી એમને કેટલુંક નવું જ્ઞાન પ્રાપ્ત થશે એ તરફ એમનું ધ્યાન દોરવાનો વિચાર મને આવ્યો, પણ હું કંઈ બોલ્યો નહીં.

   ડૉક્ટરે ફરી મારી વીગતવાર તપાસ કરી. પછી ગંભીર થઈ બોલ્યા, “મારી સલાહ છે કે તમે હવે એન્જ્યોગ્રાફી કરાવી લો. જોકે એ માટે તમારે મદ્રાસ જવું પડશે. આપણે એમ કરીએ, મારા બીજા એક નિષ્ણાત ડૉક્ટર મિત્ર છે એમની સલાહ લઈ જોઈએ. એમનો મત પણ જો મારા જેવો જ થાય તો તમે એન્જ્યોગ્રાફી કરાવી જ લો.”

   “એન્જ્યોગ્રાફી એટલે શું ?” એન્યો તગ્રાફીનું નામ હું જિંદગીમાં પહેલી જ વાર સાંભળતો હતો (ઘણા વખત સુધી તો મને ‘એન્જ્યોગ્રાફી'નો સાચો ઉચ્ચાર જ આવડ્યો નહોતો.)
   “તમારી રક્તવાહિનીઓમાં બ્લોકેજ છે કે નહીં તે નક્કી કરવાની જરૂર છે. ને એ એન્યોમાગ્રાફીથી જ નક્કી થઈ શકે, એન્યોનીગ્રાફી એક પ્રકારનો ટેસ્ટ છે.”
   “ ‘બ્લોકેજ’ એટલે શું ?"
   “હૃદયની રક્તવાહિનીઓમાં ચરબીનો જમાવ થયો હોય તો એને ‘બ્લોકેજ' કહેવાય. આને કારણે લોહીને હૃદય સુધી પહોચવામાં અવરોધ ઊભો થાય છે.”

   ડૉક્ટર સાથેની ચર્ચાથી મારા જ્ઞાનમાં થોડો વધારો થયો, પણ ચિંતામાં ધરખમ વધારો થયો. ડૉક્ટર મિત્રના મિત્ર ડૉક્ટરને હું મળ્યો. મારો કેસ જાણી થોડી વાર તો એ પણ મૂંઝાઈ ગયા. પછી એમણે કહ્યું, ‘‘એન્યો લગ્રાફી સિવાય છૂટકો નથી. જરૂર પડે તો બાયપાસ સર્જરી પણ કરાવવી પડશે.”

   ‘‘બાયપાસ સર્જરીમાં મારા બાયપાસ થઈ જવાના ચાન્સીસ ખરા?”
   ‘‘બાયપાસ સર્જરી જોખમી તો કહેવાય, પણ આજકાલ મેડિકલ સાયન્સ એટલું આગળ વધ્યું છે કે ગમે તેવાં ઓપરેશનો પણ જોખમી નથી ગણાતાં. વળી તમારે તો મદ્રાસની અદ્યતન હોસ્પિટલમાં જવાનું છે એટલે ચિતાનું કોઈ કારણ નથી.”
   “બાયપાસ સર્જરીમાં કેટલો ખર્ચ થાય ?”
   “બસ, બધું મળીને સાઠ-સિત્તેર હજારમાં પતી જાય.”

   હું જાણે સ્વિસ બેન્કમાં ખાતું ધરાવતો હોઉં અને સાઠ-સિત્તેર હજારની મારે મન કંઈ વિસાત ન હોય એટલી સહજતાથી ડૉક્ટરે કહી દીધું.
   “ડૉક્ટર સાહેબ ! મને લાગે છે કે મારું હૃદય ઘણું મજબૂત છે.”
   “એવું શા પરથી કહો છો ?” નિદાન કરવાના પોતાના ક્ષેત્રમાં મારો અનધિકાર પ્રવેશ થયેલો જોઈ ડૉક્ટર સહેજ અકળાયા.
   “મારું હૃદય મજબૂત ન હોત તો આ સાઠ-સિત્તેર હજાર રૂપિયાના ખર્ચની વાત સાંભળી એ અત્યારે જ બંધ પડી ગયું હોત !”
   “જુઓ, તમે આવા રોગમાં પણ મજાક કરી શકો છો, એ સારી વાત, તમે વાત ગંભીરતાથી લો. ઓપરેશનની વાત પછી આવે છે – પહેલાં એન્જ્યોગ્રાફી તો કરાવી જ લો – આમાં વિલંબ કરવાનું હિતાવહ નથી.”
* * * * *
   ડૉકટર મિત્રને ફરી મળ્યો, એમના મિત્ર ડૉક્ટરના અભિપ્રાયની જાણ કરી. એમણે મદ્રાસની એપોલો હોસ્પિટલના ડૉક્ટર એમ. આર. ગિરિનાથની એપોઇન્ટમેન્ટ મગાવી. (ક્રમશ ... )


0 comments


Leave comment