29 - પનોતી / રમેશ આચાર્ય


મારા પૈસાદાર કાકાની દીકરીએ
નવા ચંપલ ખરીદ્યા.
પહેરાય ત્યાં સુધી પહેર્યા
પછી મારી મોટી બહેનને આપ્યા.
તેણે પણ પહેરાય ત્યાં સુધી પહેર્યા,
પછી મને આપ્યા.
શાળામાં મારા ચંપલ ચોરાયા.
હું રડું.
ઘેર મારી બાએ મને સમજાવ્યો:
‘તારા ચંપલ લઈ જનારને
ચંપલ નહીં હોય
અને તારી તો પનોતી ગઈ.’
હું ફરી પાછો થયો ઉઘાડપગો
પણ હવે મને પનોતીની બીક ન રહી.


0 comments


Leave comment