30 - પતંગિયાકથા / રમેશ આચાર્ય


એક નાનકડું પતંગિયું
ક્યારે આવ્યું,
ક્યાંથી આવ્યું,
કેમ આવ્યું,
મને કંઇ ખબર નથી.
હું એના એક રંગ વિષે
વાત કરું તો
બીજા રંગો રહી જાય.
બરાબર ‘નેતિ’ ‘નેતિ’ જેમ.
આવીને તે તો ફળિયાના એક ફૂલ પર ઝૂમવા લાગ્યું.
તેને ઝૂલતું જોઈ
મારા ફળિયામાં રમવા આવેલા
બાળકોની આંખો ઉપર નીચે ઝૂલી,
આમતેમ ઝૂલી.
ક્યારે તે બાજુનાં ફળિયામાં જતું રહ્યું
મને કંઈ ખબર નથી.
પણ પછી, સાંભળવામાં તકલીફ છતાં,
અજાણ્યા પક્ષીની ચાંચમાં
તેના શરીરની કચડાટી
મને સંભળાઇ,
હજીયે સંભળાય.


0 comments


Leave comment