33 - ચોપાટ / રમેશ આચાર્ય


બાળપણથી ચોપાટ રમતી વખતે
ધાર્યા દાણા લેવાની મારી આવડત.
તે માટે જરૂર જણાય તો
કોડીઓ બદલું,
ખાલી કોડીઓમાં સીસું પૂરું,
દાણા પાડતી વખતે
હાથની મુઠ્ઠી ઢીલી વાળું,
કઠણ વાળું,
કોડીઓ મારાથી નજીક પાડું,
દૂર પાડું.
સભાનતાથી પાડું,
બેફિકરાઇથી પાડું.
બાળપણથી ચોપાટ રમતી વખતે
ધાર્યા દાણા લેવાની મારી આવડત
છતાં
શકુનિ સમા સમય સામે,
પાંડવોમાં હું સહદેવ,
દ્રૌપદી સમું સઘળું હારી જઉં.


0 comments


Leave comment