34 - ભોલો / રમેશ આચાર્ય


ભોલો પાંજરાપોળનો રખેવાળ,
ગામના વાસમાં રહે.
તેને રાખ્યો હતો
લૂલા-લંગડા, ખોડા ઢોર માટે.
પાંજરાપોળના ઢોરને તે પંપાળે,
તેમની ગમાણ સાફ રાખે,
તેમને માખી-મચ્છરથી બચાવવા
માવજત કરે,
તેમને સમયે સમયે નીરણ નાખે,
પાણી પાય,
તેમનું છાણ ઢસડી ઉકરડામાં નાખે,
ઢોરના વાડામાં જ સૂઇ જાય,
ઢોર બીમાર હોય તો
ઊંઘમાંથી ઝબકીને જાગી જાય.
ઢોર મરી જાય તો તેને ટંક-બે ટંક
ખાવાનું ન ભાવે.
પાંજરાપોળનાં સંચાલકો તેને
‘ઢોર જેવો’ કહે.


0 comments


Leave comment