37 - ત્રણ ધાન્ય કાવ્યો / રમેશ આચાર્ય


ઘઉં
ઘઉંના બંને હોઠની કાયમ એક જ સ્થિતિ,
તે ન હોઠ કરડે,
ન હોઠ ભીંસે,
ન હોઠ હસવા માટે પણ ખોલે,
બજારનાં ઘઉંના વેપારી,
તેના શેઠના અને તેના
હોઠની આમ જ એક જ કાયમી સ્થિતિ.

જુવાર
કબૂતરની આંખ બનતા
બચી તે ખેતરે ઊગી
થઈ રાતી જુવાર.
પૃથ્વી પર અવતરવાનો
ગુસ્સો ઊતાર્યો,
રાતી આંખ થઈ ધોળી,
થઈ સફેદ જુવાર.

ચોખા
તેને બાસમતી ન કહો,
ખોટું લાગશે કદાચ.
કહેવું હોય તો કહો-
મસૂરીમાં મળી હતી
તે ગિરિનગરની ષોડશીની
નિર્દોષ અને નિર્મળ
અણિયારી આંખ.


0 comments


Leave comment