39 - કવિનું દેહદાન / રમેશ આચાર્ય


કવિનું અવસાન થયું
કવિએ તેના નિધન પછી
મા-ભોમનાં લડવૈયાઓ માટે
તેના દેહનું દાન કર્યુ હતું.
મૃત્યુ પછી માલૂમ પડ્યું કે કવિની પાંસળીઓ
દધીચિની પાંસળીઓમાંથી
બ્રહ્માએ નિર્માણ કરી હતી,
તેના શરીરની માંસ-મજ્જા
ચેલૈયાના ખાંડેલા શરીરમાંથી
ભીક્ષા દીધા પછી,
વધેલા માંસ-મજ્જામાંથી
બ્રહ્માએ નિર્માણ કર્યા હતા.
મજનૂની ખેંચી કાઢેલી આંખો
બ્રહ્માએ તેની આંખો તરીકે મૂકી હતી.
કવિની અંતિમ ઇચ્છા હતી કે તેની આંખોથી,
તેણે ટગરટગર તેની લયલાને નિરખી હતી તેમ,
દેશના સૈનિકો દુશ્મનોની હિલચાલ જુએ,
તેના માંસ-મજ્જામાંથી બનેલા શરીરે
તેના સૈનિકો દુશ્મોનોનો ખાત્મો કરવા
શસ્ત્રો અને દારૂગોળો વહન કરે.
તેની પાંસળીઓમાંથી દુશ્મનોનો ધ્વંસ કરવા માટે શસ્ત્રો બને.
બસ, કવિની આટલી શરતો હતી....


0 comments


Leave comment